'લાલો' ફેમ શ્રૃહદ ગોસ્વામી હવે 'કાળી ચૌદસ'માં જોવા મળશે, 19 ફેબ્રુઆરી 2027એ થશે રિલીઝ

'લાલો' ફેમ શ્રૃહદ ગોસ્વામી હવે 'કાળી ચૌદસ'માં જોવા મળશે, 19 ફેબ્રુઆરી 2027એ થશે રિલીઝ

અમદાવાદ: ગુજરાતી સિનેમામાં બ્લોકબસ્ટર ફિલ્મ 'લાલો: શ્રીકૃષ્ણ સદા સહાયતે'થી લોકપ્રિયતા મેળવનાર અભિનેતા શ્રૃહદ ગોસ્વામી હવે એક નવી ફિલ્મ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. દ્વાન પ્રોડક્શનની આગામી ગુજરાતી ફિલ્મનું ટાઇટલ અને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ગામડાંની લોકવાયકાઓ, રહસ્ય અને અંધશ્રદ્ધાની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મનું નામ 'કાળી ચૌદસ' રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 ફેબ્રુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

'છોડી દેલ્યા... એને મુક્તિ વેણમ...'

ફિલ્મના મેકર્સે એક ટૂંકા વીડિયો દ્વારા ટાઇટલ જાહેર કર્યું છે. વીડિયોની શરૂઆતમાં અગ્નિના કુંડાળાની વચ્ચે એક વ્યક્તિ સૂતેલી જોવા મળે છે. આ દરમિયાન રહસ્યમય અવાજ સંભળાય છે, જેમાં મુક્તિની વાત કરવામાં આવે છે. ત્યારબાદ ફિલ્મનું ટાઇટલ 'કાળી ચૌદસ' સામે આવે છે.

મેકર્સે વીડિયો શેર કરીને ગામની સીમ અને ચાર રસ્તે બનેલી રહસ્યમય ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. આ રજૂઆતથી ફિલ્મમાં લોકમાન્યતાઓ, અંધશ્રદ્ધા અને રોમાંચનું મિશ્રણ જોવા મળશે તેવા સંકેત મળે છે.

ફિલ્મમાં ગુજરાતી કલાકારોની લાંબી ફોજ

'કાળી ચૌદસ'માં શ્રૃહદ ગોસ્વામી સાથે રીવા રાચ્છ, કૃણાલ પંડિત, હેમિન ત્રિવેદી અને અલ્પના બુચ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત રિદ્ધિ, દીપેન રાવલ, હેમાંગ દવે, પ્રેમ ગઢવી, ગોપી દેસાઈ, યશ વારન અને રીતિકા વાસુ સહિતના કલાકારો પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવશે.

ડ્રીમ યાત્રા ફિલ્મ્સના એસોસિએશનમાં બની રહેલી આ મલ્ટીસ્ટારર ફિલ્મનું નિર્માણ દક્ષ એ. વાસુએ કર્યું છે. ફિલ્મનું દિગ્દર્શન ધ્રુવ ગોસ્વામી કરી રહ્યા છે, જ્યારે તેની વાર્તા લેખક અને અભિનેતા ચેતન દૈયાએ લખી છે.

'લાલો'ની સફળતા બાદ શ્રૃહદ ગોસ્વામીની નવી ફિલ્મ

શ્રૃહદ ગોસ્વામી માટે 'કાળી ચૌદસ' ખાસ મહત્ત્વ ધરાવે છે, કારણ કે તેમની અગાઉની ફિલ્મ 'લાલો: શ્રીકૃષ્ણ સદા સહાયતે'એ ગુજરાતી સિનેમામાં નોંધપાત્ર સફળતા મેળવી હતી.

વર્ષ 2025માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શ્રૃહદ ગોસ્વામી, કરણ જોશી અને રીવા રાચ્છ મુખ્ય ભૂમિકામાં હતાં. અંકિત સખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું બજેટ આશરે ₹50 લાખ હોવાનું જણાવાયું હતું, જ્યારે તેની કમાણી આશરે ₹120 કરોડ સુધી પહોંચી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

'લાલો'ની સફળતા બાદ હવે શ્રૃહદ ગોસ્વામી 'કાળી ચૌદસ'માં એક નવા અંદાજમાં જોવા મળશે. રહસ્ય, રોમાંચ અને ગામડાંની લોકવાયકાઓ પર આધારિત આ ફિલ્મ ગુજરાતી દર્શકોને કેટલી પસંદ પડે છે તે જોવું રસપ્રદ રહેશે.

ફિલ્મનું નામ: કાળી ચૌદસ
રિલીઝ તારીખ: 19 ફેબ્રુઆરી 2027
મુખ્ય કલાકારો: શ્રૃહદ ગોસ્વામી, રીવા રાચ્છ, કૃણાલ પંડિત, હેમિન ત્રિવેદી અને અલ્પના બુચ
દિગ્દર્શક: ધ્રુવ ગોસ્વામી
વાર્તા: ચેતન દૈયા