રથયાત્રામાં હાથીઓની એન્ટ્રી પહેલાં મેડિકલ ટેસ્ટ તો થયા... પરંતુ રિપોર્ટ સામે આવતા અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
અમદાવાદની રથયાત્રામાં સામેલ કરાયેલા કુલ 15 હાથીઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 1 નર અને 14 માદા હાથીઓ હતા. પરંતુ મેડિકલ રિપોર્ટમાં એવી વિગતો સામે આવી છે જે ચોંકાવનારી છે. 14 માદા હાથીઓમાંથી એક હાથી બંને આંખોથી સંપૂર્ણપણે અંધ હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે. જ્યારે અન્ય એક માદા હાથી પણ અંધ હોવાનું લખાયું છે, જોકે તે એક આંખે અંધ છે કે બંને આંખે, તેની સ્પષ્ટતા રિપોર્ટમાં કરવામાં આવી નથી. સવાલ એ છે કે... આવા હાથીઓને લાખોની ભીડ વચ્ચે રથયાત્રામાં સામેલ કરવાની મંજૂરી કેવી રીતે મળી? કારણ કે રથયાત્રા દરમિયાન લાખો લોકોની ભીડ, ઢોલ-નગારાં, અજાણ્યા અવાજો અને વાહનોના હોર્ન વચ્ચે અંધ હાથી ગભરાય તો સ્થિતિ કેટલી ગંભીર બની શકે તે વિચારવા જેવું છે. બીજો મોટો સવાલ છે ‘બાબુ’ નામના નર હાથીને લઈને. આ જ બાબુ હાથીએ ગયા વર્ષની રથયાત્રા દરમિયાન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભારે ધમાલ મચાવી હતી, જેમાં કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. મહત્વની વાત એ છે કે તપાસ કમિટીએ બાબુને આ વર્ષની રથયાત્રામાં સામેલ ન કરવાની ભલામણ કરી હતી. તેમ છતાં બાબુને ફરીથી રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યો. આ વખતે તો દિલીપદાસજી મહારાજ પણ બાબુ હાથી સાથે પગપાળા ચાલ્યા હતા, જેના કારણે તેમની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થાય છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે... જો મેડિકલ રિપોર્ટમાં અંધ હાથીઓની નોંધ હતી અને બાબુને સામેલ ન કરવાની ભલામણ હતી, તો પછી આ હાથીઓને લાખોની ભીડ વચ્ચે રથયાત્રામાં ઉતારવાની મંજૂરી કોણે આપી? મેડિકલ ચેકઅપ થયું કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી જ કરવામાં આવી?