લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે...

લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે...

લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે...

આણંદ-ખેડા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામતા એક તરફ ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે, તો બીજી તરફ નગરોમાં પાણી ભરાવાની સમસ્યાએ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.


આણંદ જિલ્લામાં શનિવારે પડેલા વરસાદમાં આણંદ તાલુકામાં સવા બે ઇંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે બોરસદમાં દોઢ ઇંચ અને ખંભાત, પેટલાદ તથા સોજિત્રામાં પોણા ઇંચથી વધુ વરસાદ નોંધાયો.


માત્ર આણંદ જ નહીં, નડિયાદ સહિત ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી.

સાંજથી રાત સુધી વરસેલા ભારે વરસાદના કારણે નડિયાદના નીચાણવાળા વિસ્તારો અને ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકો અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.


રાત્રે વરસાદ બંધ થતાં કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યું, પરંતુ કેટલાક વિસ્તારોમાં 24 કલાક બાદ પણ પાણી ભરાયેલું રહેતા પ્રી-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.


હવે વાત આગામી વરસાદની...

હવામાન વિભાગના અનુમાન મુજબ લો-પ્રેશર સિસ્ટમ આગામી 36 કલાક સુધી સક્રિય રહેવાની શક્યતા છે. જેના કારણે ચરોતરમાં આગામી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


ખાસ કરીને ખંભાત, તારાપુર, આણંદ અને નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે.


એટલે મેઘરાજા ફરી મેદાનમાં છે...

હવે જોવાનું એ છે કે વરસાદ ખેડૂતો માટે રાહત લાવે છે કે પછી શહેરો માટે ફરી મુશ્કેલીનું કારણ બને છે!