ક્યારેક માણસ અને પ્રાણી વચ્ચેનો સંબંધ શબ્દો વગર પણ સમજાઈ જાય છે...

ક્યારેક માણસ અને પ્રાણી વચ્ચેનો સંબંધ શબ્દો વગર પણ સમજાઈ જાય છે...

ક્યારેક માણસ અને પ્રાણી વચ્ચેનો સંબંધ શબ્દો વગર પણ સમજાઈ જાય છે... અને આ ત્રણ ઘટનાઓ તેનો જીવંત પુરાવો છે!

પહેલી ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડીની...
ગજોલડોબા બેરેજમાંથી પાણી છોડાયા બાદ હાથીઓનું ટોળું તિસ્તા નદી પાર કરી રહ્યું હતું. એ દરમિયાન ભારે પ્રવાહમાં હાથીનું બચ્ચું ટોળાથી અલગ થઈ ગયું અને પાણીમાં જીવન માટે સંઘર્ષ કરવા લાગ્યું.

નદીમાં માછલી પકડી રહેલા પાંચ માછીમારોની નજર બચ્ચા પર પડી.
બે હોડી લઈને માછીમારોએ લગભગ 4 કિલોમીટર સુધી બચ્ચાનો પીછો કર્યો. અંતે ત્રણ માછીમારો પાણીમાં ઉતર્યા અને બચ્ચાને હોડીમાં ખેંચીને સુરક્ષિત બહાર કાઢ્યું.

હોડીમાં આવ્યા બાદ તો બચ્ચું એક માછીમારને જ વળગી ગયું!

વન વિભાગને સોંપ્યા બાદ તેની સારવાર કરવામાં આવી અને માતાની શોધ શરૂ થઈ. લગભગ બે કલાકની મહેનત બાદ બચ્ચાનું તેની માતા સાથે મિલન કરાવવામાં આવ્યું. માતાએ પણ પોતાના બચ્ચાને વહાલ કરીને જાણે માફક આભાર માન્યો.

પરંતુ હાથીઓની કહાની અહીં પૂરી થતી નથી...

આસામના નુમાલીગઢમાં એક હાથીએ બાળકો પાસેથી ફૂટબોલ જ છીનવી લીધો!
બોગીધલા મેદાનમાં બાળકો ફૂટબોલ રમી રહ્યા હતા, ત્યારે અચાનક જંગલી હાથી આવી પહોંચ્યો. મેદાનમાં પ્રવેશતા જ બોલ તેના કબજામાં આવ્યો અને સાહેબ તો બાળકોની જેમ ફૂટબોલ રમવા લાગ્યા! દોડ્યો... અને જોરદાર કિક પણ મારી!

અને આ જ નુમાલીગઢમાં થોડા દિવસ પહેલાં એક હાથીના ગળામાં ટ્રેક્ટરનું ટાયર ફસાઈ ગયું હતું.
ટાયર સાથે બેચેન બનેલો હાથી રહેણાંક વિસ્તારમાં દોડતો જોવા મળ્યો. માહિતી મળતાં વન વિભાગે ડ્રોનની મદદથી તેનું લોકેશન શોધ્યું અને અંતે હાથીના ગળામાંથી ટાયર કાઢીને તેને રાહત અપાવી.

એક તરફ માણસોએ હાથીનું જીવન બચાવ્યું... તો બીજી તરફ માણસોની મદદથી હાથી પણ મુશ્કેલીમાંથી બહાર આવ્યો.

આ ઘટનાઓ એક વાત તો સ્પષ્ટ કરે છે—
જંગલમાં રહેતા આ વિશાળ જીવોની દુનિયા આપણાથી અલગ છે, પરંતુ તેમની લાગણી અને જીવન માટેની લડત આપણાથી બહુ અલગ નથી.