મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સંગઠનના અનુભવી ચહેરાઓની પસંદગી, ભાજપે ફરી સાબિત કર્યું – સંગઠન જ સર્વોપરી
- કરમસદ-આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં એક ચર્ચા જોર પકડી રહી છે. ભાજપે આ પસંદગી દ્વારા સ્પષ્ટ કર્યું છે કે પક્ષમાં સત્તા સુધી પહોંચવાનો માર્ગ સંગઠનમાંથી પસાર થાય છે. વર્ષો સુધી ભાજપના સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂકેલા કાર્યકરોને જ મહત્વના હોદ્દાઓ સોંપીને પક્ષે "સંગઠન જ સર્વોપરી"ના સૂત્રને ફરી એકવાર જીવંત બનાવ્યું છે.
મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન સુધી સંગઠનના સિપાહીઓને જ તક
- કરમસદ-આણંદ મનપાના પ્રથમ મેયર તરીકે પસંદ થયેલા હર્ષિકાબેન પટેલ છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. ભાજપના વિવિધ સંગઠનાત્મક હોદ્દાઓ ઉપર કામગીરી કર્યા બાદ આજે તેઓ શહેરના પ્રથમ નાગરિક બન્યા છે.
- ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભીએ પણ વિદ્યાર્થી નેતા તરીકે પોતાની રાજકીય સફરની શરૂઆત કરી હતી. ભાજપ યુવા મોરચા, સંગઠન અને વિવિધ જવાબદારીઓ સંભાળ્યા બાદ આજે તેઓ ડેપ્યુટી મેયરના હોદ્દા સુધી પહોંચ્યા છે.
- જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મયુરભાઈ સુથાર છેલ્લા 15 વર્ષથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. કાર્યકરો સાથે સીધો સંપર્ક અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા તેમને આ સ્થાન સુધી લઈ આવી છે.
જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલની વ્યૂહરચના સફળ ?
- તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે સંગઠન માટે વર્ષો સુધી કામ કરનાર કાર્યકરોને પ્રાથમિકતા આપી હતી. હવે મનપાના પદાધિકારીઓની પસંદગીમાં પણ એ જ ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યો હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.
- ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષમાં કોઈપણ કાર્યકર માટે સૌથી મોટું પ્રમાણપત્ર તેની સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને કામગીરી છે. સંગઠનને મજબૂત બનાવનારાઓને જ મહત્વના હોદ્દાઓ મળતા હોવાનો સંદેશ કાર્યકરો સુધી પહોંચાડવામાં આવ્યો છે.
આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના પ્રથમ પદાધિકારીઓની જાહેરાત બાદ ભાજપના આંતરિક સંગઠન મોડેલની ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ માટે થયેલી પસંદગીઓ પર નજર કરીએ તો એક બાબત સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભાજપે વ્યક્તિગત સમીકરણો કે રાજકીય દબાણ કરતાં સંગઠનમાં કરાયેલી વર્ષોની કામગીરીને વધુ મહત્વ આપ્યું છે.
ભાજપ હંમેશા પોતાને કાર્યકર આધારિત પક્ષ તરીકે રજૂ કરતી આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાની પદાધિકારીઓની પસંદગીમાં પણ આ જ સિદ્ધાંત જોવા મળ્યો છે. ત્રણેય મુખ્ય હોદ્દાઓ પર એવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે જેઓએ વર્ષો સુધી સંગઠનમાં રહીને વિવિધ સ્તરે જવાબદારીઓ સંભાળી છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ દ્વારા અપનાવવામાં આવેલ આ મોડેલ ભવિષ્યમાં સંગઠનને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે. કારણ કે સામાન્ય કાર્યકર માટે આ એક મોટો સંદેશ છે કે જો તે સંગઠન માટે નિષ્ઠાપૂર્વક કામ કરશે તો એક દિવસ તેને પણ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા નવી રચાયેલી મનપા હોવાથી તેના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે તેના ઉપર સમગ્ર ચરોતર વિસ્તારની નજર હતી. અનેક રાજકીય અટકળો વચ્ચે ભાજપે અંતે સંગઠનના અનુભવી ચહેરાઓ પર વિશ્વાસ મૂક્યો અને પોતાના નિર્ણય દ્વારા સ્પષ્ટ કરી દીધું કે પક્ષ માટે સંગઠનનું સ્થાન સર્વોચ્ચ છે.
પક્ષના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે સત્તા અને સંગઠન એકબીજાના પૂરક છે, પરંતુ સત્તા સુધી પહોંચવા માટે સંગઠનનો માર્ગ જ સૌથી મહત્વનો છે. કરમસદ-આણંદ મનપાની પદાધિકારીઓની પસંદગી દ્વારા ભાજપે આ સિદ્ધાંતને ફરી એકવાર વ્યવહારમાં સાબિત કર્યો છે.
રાજકીય વર્તુળોમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે કરમસદ-આણંદ મનપાના આગામી પાંચ વર્ષના શાસનમાં સંગઠનમાંથી આવેલા આ નેતાઓ વિકાસ અને વહીવટી કામગીરીમાં કેવો છાપ છોડે છે તેના ઉપર સૌની નજર રહેશે. જોકે હાલ માટે એક વાત નિશ્ચિત છે કે ભાજપે પોતાના કાર્યકરોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે "સંગઠનમાં કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી અને સંગઠન જ સર્વોપરી છે."