આણંદ, બુધવાર:કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મિલકતોનો બાકી વેરો 31 માર્ચ પહેલા વસૂલવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા સુચના આપવામાં આવી છે.
મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા બાકી વેરાની વસુલાત ઝુંબેશ અંતર્ગત મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે સ્વરૂપ કોમ્પ્લેક્સ માં, નયા પડકારના ખાંચામાં અને ટૂંકી ગલી પાસે મનીષ માર્કેટમાં આવેલી કુલ 14 દુકાનો રૂ. 2,35,988 /- નો બાકી વેરો ભરપાઈ ન કરતા હોવાથી તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે .
આ ઉપરાંત આજે એક જ દિવસમાં અન્ય મિલકતો ધારકો પાસે થી રૂ.8,41,763 /- નો બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનો દુકાનો, બિલ્ડીંગ, મકાનોના બાકી વેરા 31 માર્ચ પહેલા ભરી દે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
જે દુકાનદારો, મકાન માલિકો દ્વારા બાકી વેરો 31 માર્ચ પહેલા ભરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા ની ટીમ દ્વારા કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.