કપડવંજમાં મહોર નદી પર ગેરકાયદેસર દબાણ, સિમેન્ટના ભૂંગળા નાખી પાણીનું વહેણ રોકાયું

કપડવંજમાં મહોર નદી પર ગેરકાયદેસર દબાણ, સિમેન્ટના ભૂંગળા નાખી પાણીનું વહેણ રોકાયું

મહેમદાવાદ બાદ હવે કપડવંજમાં પણ નદીના કુદરતી વહેણ પર ગેરકાયદેસર રીતે દબાણ થતું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. કપડવંજ શહેરમાંથી પસાર થતી મહોર નદીના વહેણને સિમેન્ટના ભૂંગળા નાખી રોકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. નદી ઉપર ગેરકાયદેસર બ્રિજનું નિર્માણ કરી પાણીના પ્રવાહને અવરોધવામાં આવ્યો છે, જેના કારણે પર્યાવરણ અને નદીની કુદરતી વ્યવસ્થા પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.


સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ભૂમાફિયાઓ દ્વારા એક બાદ એક નદી ઉપર ગેરકાયદેસર બ્રિજ બનાવી જમીન દબાણ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. આશ્ચર્યજનક રીતે આ ગેરકાયદેસર દબાણ કપડવંજ કોર્ટ સામે જ આવેલી નદી ઉપર કરવામાં આવ્યું છે, છતાં પણ સંબંધિત તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી થતી જોવા મળતી નથી. નદીના વહેણને રોકવાથી વરસાદી સમયમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેમજ આસપાસના વિસ્તારોને નુકસાન થવાની સંભાવના પણ વધી ગઈ છે.


આ સમગ્ર મામલે કપડવંજ મામલતદાર કચેરી તેમજ ખેડા જિલ્લાના ખાણખણીજ વિભાગની ઢીલી નીતિ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વારંવાર ફરિયાદો છતાં ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી ન થવાને કારણે ભૂમાફિયાઓના હૌસલા વધ્યા હોવાનું સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નદી ઉપર થયેલા દબાણને તાત્કાલિક દૂર કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.