સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) હવે રાજકીય વિવાદોના કેન્દ્રમાં આવી ગઈ છે. પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેનું આમ આદમી પાર્ટી (AAP) સાથે જૂનું કનેક્શન બહાર આવતાં જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે. ઇન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ મેળવનારી આ ડિજિટલ મુવમેન્ટ સામે હવે કેટલાક પૂર્વ સમર્થકોએ પણ ખુલ્લો વિરોધ વ્યક્ત કર્યો છે.
પૂર્વ અધિકારી આશિષ જોશીએ ઉઠાવ્યા સવાલ
કોકરોચ જનતા પાર્ટીના શરૂઆતના સમર્થક અને પૂર્વ પ્રશાસનિક અધિકારી આશિષ જોશીએ પાર્ટીની વૈચારિક સ્વતંત્રતા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જાહેરમાં પૂછ્યું કે શું આ પ્લેટફોર્મ કોઈ ચોક્કસ રાજકીય વિચારધારાને આગળ ધપાવવા માટે બનાવાયું છે? સંતોષકારક જવાબ ન મળતાં આશિષ જોશીએ પાર્ટી સાથેના તમામ સંબંધો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
મનિષ સિસોદિયા સાથેની તસવીરો થઈ વાયરલ
સ્થાપક અભિજીત દીપકેએ સ્વીકાર્યું છે કે વર્ષ 2020થી 2023 દરમિયાન તે આમ આદમી પાર્ટીના મીડિયા કેમ્પેઈન સાથે જોડાયેલો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની AAP નેતા મનિષ સિસોદિયા સાથેની જૂની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરો સામે આવતાં સીજેપી કોઈ પૂર્વનિયોજિત રાજકીય પ્રોજેક્ટ હોવાની ચર્ચાઓ વધુ તેજ બની છે.
બોસ્ટનમાં અભ્યાસ કરતા અભિજીતના પરિવારની ચિંતા વધી
હાલ અભિજીત દીપકે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો છે. તેની ઓનલાઈન રાજકીય પ્રવૃત્તિઓ દેશભરમાં ચર્ચાનો વિષય બનતાં મહારાષ્ટ્રમાં રહેતા તેના માતા-પિતા પણ ચિંતામાં મુકાયા છે. પરિવારનું કહેવું છે કે જો તેમને અગાઉથી રાજકારણમાં પ્રવેશ અંગે જાણ હોત તો તેઓ તેને રોકવાનો પ્રયાસ કરતા.
X એકાઉન્ટ બંધ છતાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા યથાવત્
વિવાદો વચ્ચે પણ ‘કોકરોચ જનતા પાર્ટી’નો સોશિયલ મીડિયા ક્રેઝ યથાવત્ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર 2 કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી આ મુવમેન્ટનું સત્તાવાર X એકાઉન્ટ બંધ થયા બાદ ‘કોકરોચ ઈઝ બેક’ નામથી નવું એકાઉન્ટ શરૂ કરવામાં આવ્યું હતું, જેને પણ થોડા જ સમયમાં લાખો લોકોનું સમર્થન મળ્યું છે.
શિક્ષણ મુદ્દે સરકાર સામે ઓનલાઈન કેમ્પેઈન
નવા X એકાઉન્ટ પરથી તાજેતરમાં પેપર લીક અને શિક્ષણ વિભાગની ખામીઓને મુદ્દો બનાવીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે મોટું ઓનલાઈન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન બાદ દેશના રાજકીય માહોલમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે.