ગુજરાતના આણંદના 27 વર્ષીય ધવિત મહેતાએ કોડિંગથી મેનેજમેન્ટ સુધીની એક પ્રેરણાદાયક સફર પૂર્ણ કરી છે. IIM બેંગ્લોરમાં તેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો અને સંસ્થાના પ્રતિષ્ઠિત ‘વોલ ઓફ ફેમ’માં સ્થાન મેળવ્યું. આ સિદ્ધિ સાથે તેઓ IIM-B માં ગોલ્ડ મેડલ મેળવનાર બીજા ગુજરાતી બન્યા છે, જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની બાબત છે.
ધવિતે 2016માં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ IIIT અલ્હાબાદમાંથી કમ્પ્યુટર સાયન્સમાં ડ્યુઅલ ડિગ્રી (B.Tech અને M.Tech) મેળવી. નાનપણથી જ કોડિંગમાં ઊંડો રસ ધરાવતા તેઓએ ટેકનિકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવા માટે દેશની પ્રતિષ્ઠિત સંસ્થા પસંદ કરી. બાદમાં તેમણે યુએસ સ્થિત ક્લાઉડ કંપનીમાં કામ કર્યું અને ત્યારબાદ માઇક્રોસોફ્ટ સાથે જોડાયા. 2022માં તેઓ નોર્વેમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કાર્યરત રહ્યા, જ્યાં તેમણે પ્રમોશન મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી. સાથે સાથે તેમણે કોઈ બાહ્ય કોચિંગ વિના CFAના લેવલ I અને II પાસ કરીને ફાઇનાન્સ ક્ષેત્રમાં પણ મજબૂત પકડ બનાવી.
2024માં તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, જ્યારે તેમણે માઇક્રોસોફ્ટની નોકરી છોડી MBA કરવા માટે ભારત પરત ફરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો. CAT પરીક્ષામાં ઉત્તમ પર્સન્ટાઇલ મેળવી તેમણે IIM બેંગ્લોરમાં પ્રવેશ મેળવ્યો. શરૂઆતમાં વેઇટિંગ લિસ્ટમાં હોવા છતાં અંતે તેમને એડમિશન મળ્યું અને તેમણે પોતાના મહેનત અને પ્રતિબદ્ધતાથી ત્યાં ટોપ કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. તેમની આ સફર યુવાનો માટે એક મોટી પ્રેરણા બની રહી છે.