કનેવાલ તળાવ દબાણ હટ્યા બાદ વલ્લી પંચાયતનો મોટો નિર્ણય, અસરગ્રસ્તોને પ્લોટ ફાળવણી
તારાપુર તાલુકાના વલ્લી ગામે કનેવાલ તળાવના ટાપુ પરથી દબાણો હટાવ્યા બાદ ગ્રામ પંચાયતે મહત્વનો ઠરાવ કર્યો છે. આ ઠરાવ મુજબ, દબાણગ્રસ્ત પરિવારોને રહેઠાણ માટે પ્લોટ ફાળવવામાં આવશે.
મળતી માહિતી મુજબ, કનેવાલ તળાવની વચ્ચે આવેલા બે ટાપુઓ પર અનેક લોકોએ ગેરકાયદેસર રીતે રહેઠાણ બનાવ્યા હતા. સિંચાઈ વિભાગ દ્વારા ગત 30 અને 31 ડિસેમ્બરના રોજ આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
જે વ્યક્તિઓ પાસે ગામમાં પોતાનું કોઈ રહેઠાણ નથી, તેમને રહેવા માટે પ્લોટ આપવાનો નિર્ણય લેવાયો છે. વલ્લી ગ્રામ પંચાયતે આવા અસરગ્રસ્તોને 50 ચોરસ મીટરના રહેઠાણના પ્લોટ ફાળવવા સર્વાનુમતે સહમતી દર્શાવી છે.
આ પ્લોટ વલ્લી ગામ, તારાપુર તાલુકાના સર્વે નંબર 585/પૈકી, ક્ષેત્રફળ 7-20-52 પૈકીની સરકારી પડતર જમીનમાંથી ફાળવવામાં આવશે. ગ્રામ પંચાયત વલ્લીએ આ પ્લોટ ફાળવણી સામે કોઈ વાંધો ન હોવાનું સ્પષ્ટ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે રેલ અને વલ્લી ગામની સીમ એક જ છે. રેલ ગામમાં સરકારી પડતર જમીન ઉપલબ્ધ ન હોવાથી, વલ્લીની આ જમીનમાંથી પ્લોટ આપવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો છે.