ગુજરાતની દાયકાઓ જૂની અને મહત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. દિલ્હીમાં યોજાયેલા ઈન્ડિયા ઈન્ટરનેશનલ વોટર વીક દરમિયાન કલ્પસર પ્રોજેક્ટને લઈને ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને નેધરલેન્ડ વચ્ચે મહત્વપૂર્ણ ત્રિપક્ષીય કરાર કરવામાં આવ્યો છે.
આ કરાર પર કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેધરલેન્ડના મંત્રી લૂટમેકરની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ કરાર હેઠળ નેધરલેન્ડની નિષ્ણાત ટીમો ગુજરાતને ટેકનિકલ સહયોગ પૂરો પાડશે. ખાસ કરીને ખંભાતના અખાતમાં સમુદ્રી ડેમના નિર્માણ, આધુનિક જળ વ્યવસ્થાપન, હાઇડ્રોલિક અને હાઇડ્રોલોજિકલ મોડેલિંગ તેમજ મરીન અને કોસ્ટલ એન્જિનિયરિંગ ક્ષેત્રે નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવશે.
કલ્પસર યોજના સાકાર થાય તો ખંભાત અને ભાલ પંથક સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતામાં મોટો ફેરફાર આવી શકે છે. દરિયાના ખારા પાણીને રોકીને વિશાળ મીઠા પાણીનો જળાશય ઊભો કરવાની પરિકલ્પના છે. તેના કારણે પીવાના પાણી, સિંચાઈ અને ઔદ્યોગિક ઉપયોગ માટે પાણીની ઉપલબ્ધિ વધવાની શક્યતા છે.
ખંભાતના વિકાસ માટે નવી આશા
એક સમયના મહત્વપૂર્ણ બંદર તરીકે ઓળખાતું ખંભાત આજે અનેક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે. બંદરના વિકાસમાં આવેલા અવરોધોની અસર સ્થાનિક અકીક અને પતંગ ઉદ્યોગો પર પણ પડી છે.
બીજી તરફ, દરિયાઈ ખારા પાણીના કારણે વિસ્તારમાં પાણીની સમસ્યા લાંબા સમયથી પડકારરૂપ રહી છે. કલ્પસર યોજના આગળ વધે તો ખંભાત સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાના નિરાકરણ સાથે કૃષિ, ઉદ્યોગ અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ત્રિપક્ષીય કરારને કારણે હવે વર્ષોથી ચર્ચામાં રહેલી કલ્પસર યોજનાના ટેકનિકલ પાસાઓ પર આગળની કામગીરી માટે માર્ગ વધુ સ્પષ્ટ બન્યો છે.