મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મની સફળતામાં હવે રિયલ લાઈફ 'સુપરસ્ટાર' કપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના વખાણનો પણ ઉમેરો થયો છે. ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ આ ફિલ્મ જોયા બાદ તેને પોતાનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ 'સિનેમેટિક અનુભવ' ગણાવ્યો છે.
વિરાટ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ફિલ્મનો રિવ્યૂ આપતા ડાયરેક્ટર આદિત્ય ધર અને રણવીર સિંહ પર મન મૂકીને પ્રશંસા કરી છે. વિરાટે લખ્યું કે, "મેં આજે આ ફિલ્મ જોઈ અને હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતમાં આવો સિનેમેટિક અનુભવ મેં પહેલાં ક્યારેય નથી જોયો. આ ફિલ્મે મારી અંદરની દરેક ભાવનાઓને જગાડી દીધી છે. લગભગ 4 કલાકની આ ફિલ્મ હોવા છતાં હું એક ક્ષણ માટે પણ મારી સીટ પરથી ખસ્યો નથી." વિરાટે આદિત્ય ધરને 'જીનીયસ' ગણાવતા કહ્યું કે રણવીર સિંહ આ ફિલ્મ બાદ અભિનયના એક અલગ જ સ્તરે પહોંચી ગયો છે.
માત્ર વિરાટ જ નહીં, પરંતુ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ ફિલ્મ જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, "આદિત્ય ધર, તમે શું શાનદાર ફિલ્મ બનાવી છે! 4 કલાક લાંબી ફિલ્મમાં પ્રેક્ષકોને જકડી રાખવા એ તમારી માસ્ટરી બતાવે છે. રણવીર સિંહે આ અનમોલ પાત્રને દમદાર અને ફ્લોલેસ રીતે ભજવ્યું છે." અનુષ્કાએ ફિલ્મમાં આર. માધવન, અર્જુન રામપાલ અને રાકેશ બેદીના પરફોર્મન્સને પણ ખૂબ જ પ્રશંસનીય ગણાવ્યું હતું.
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની લંબાઈ 4 કલાક જેટલી હોવા છતાં, પ્રેક્ષકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વિરાટ અને અનુષ્કા જેવા સેલિબ્રિટીઝના પોઝિટિવ રિવ્યૂ બાદ ફિલ્મના કલેક્શનમાં હજુ મોટો ઉછાળો આવવાની શક્યતા છે. રણવીર સિંહના કરિયરની આ સૌથી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવી રહી છે.