Advertisement

કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા, વિવાદનો આવ્યો સુખદ અંત!

કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા, વિવાદનો આવ્યો સુખદ અંત!

કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો હવે સુખદ અંત આવ્યો છે. સનાતન ધર્મની એકતા અને સાધુ-સંતોના સન્માનને પ્રાથમિકતા આપતા બંને પક્ષોએ સમાધાનનો માર્ગ અપનાવ્યો હોવાનું સામે આવ્યું છે. સમાધાન દરમિયાન કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુને શાલ ઓઢાડી સન્માન કર્યું અને આશીર્વાદ લીધા. સાથે જ પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ તથા જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુનું પણ સન્માન કરી આદર વ્યક્ત કર્યો હતો.


આ વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે કીર્તિ પટેલે જૂનાગઢ સ્થિત મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ જૂનાગઢના રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સામે સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી અને આ સમગ્ર મામલે સવાલો ઉઠાવ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં કરવામાં આવેલા આક્ષેપોને કારણે ધાર્મિક વાતાવરણમાં ગરમાવો જોવા મળ્યો હતો.


પરંતુ, અંતે બંને પક્ષો વચ્ચે ચર્ચા બાદ સમાધાન થયું હતું. કીર્તિ પટેલે જણાવ્યું કે કેટલાક તત્વોએ ભારતી પરિવારને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગિરનારી મહારાજની કૃપાથી એકતા જળવાઈ રહી. પોતાના ગુરુનું માન-સન્માન જળવાઈ રહે અને સનાતન ધર્મને કલંક ન લાગે તે માટે વિવાદનો અંત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું. આ સાથે કીર્તિ પટેલે ભારતી પરિવાર અને સાધુ સમાજ પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો હતો.

Advertisement