ખેડૂતો માટે કામની ખબર: તુવેરની નવી જાત, વધુ ઉત્પાદન અને વધુ પોષણ!
ખેડૂતો માટે મહત્વના સમાચાર…
આણંદ કૃષિ યુનિવર્સિટીએ તુવેરની નવી જાત ‘ગુજરાત તુવર-109: શ્વેતા’ વિશે ખેડૂતોને મહત્વપૂર્ણ માહિતી આપી છે.
દાહોદ ખાતે યોજાયેલા ફિલ્ડ ડે કાર્યક્રમમાં ખેડૂતોને આ નવી જાતના ઉત્પાદન, ગુણવત્તા અને રોગ પ્રતિકારક ક્ષમતા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડો. એમ.એમ. પંડ્યાના જણાવ્યા મુજબ, ગુજરાત તુવર-109નું સરેરાશ ઉત્પાદન પ્રતિ હેક્ટર આશરે 1,900 કિલોગ્રામ સુધી મળે છે.
અન્ય અંકુશ જાતોની સરખામણીએ પણ આ જાતમાં વધુ ઉત્પાદન નોંધાયું છે.
AGT-2 કરતાં 14.5 ટકા, GT-104 કરતાં 11.3 ટકા, BDNR-2 કરતાં 11.1 ટકા અને વૈશાલી જાત કરતાં 27.4 ટકા વધુ ઉત્પાદન મળી શકે છે.
માત્ર ઉત્પાદન જ નહીં, પોષણની દૃષ્ટિએ પણ આ જાત મહત્વની હોવાનું જણાવાયું છે. તેમાં અન્ય અંકુશ જાતોની સરખામણીએ પ્રોટીનનું પ્રમાણ વધુ છે. સાથે જ લોહ અને ઝિંક જેવા પોષક તત્વોનું પ્રમાણ પણ વધુ હોવાનું યુનિવર્સિટીએ જણાવ્યું છે.
આ જાત મધ્યસ્થથી પાકતી, અર્ધ ફેલાતી છે અને સુકારા તથા વ્યંધ્યત્વ જેવા રોગો સામે પ્રતિકારક હોવાનું જણાવાયું છે.
હવે વાત કરીએ તુવેરની સારી શરૂઆત માટેની માવજતની…
વાવણી પહેલાં પ્રતિ કિલો બીજ દીઠ આશરે 3 ગ્રામ ફૂગનાશક દવાનો પટ આપવો. ત્યારબાદ પ્રતિ કિલો બીજ માટે 25થી 30 ગ્રામ રાઈઝોબિયમ કલ્ચરની માવજત કરવી.
રાઈઝોબિયમ કલ્ચર મૂળમાં ગાંઠો બનાવવામાં મદદ કરે છે, જે હવામાંથી નાઈટ્રોજન જમીનમાં સ્થિર કરી પાકને ઉપલબ્ધ કરાવે છે અને ખાતર ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
સાથે જ છેલ્લી ખેડ વખતે પ્રતિ હેક્ટર 10થી 15 ટન સારી રીતે કોહવાયેલું છાણીયું ખાતર ઉમેરવાની સલાહ આપવામાં આવી છે.
એટલે ખેડૂતો માટે નવી જાતની માહિતી સાથે પાકની શરૂઆતથી જ યોગ્ય માવજત રાખવી પણ એટલી જ મહત્વની છે.