ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતરના ભાજપ ધારાસભ્ય કલ્પેશ પરમારના જ ગામ ભલાડામાં સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડી મોટા પાયે ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ધારાસભ્યના સગા ભત્રીજા સહિત કુલ 16 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, માતર તાલુકાના ભલાડા ગામે હરસિદ્ધિ ફળિયા નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ વિજિલન્સ પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે, પોલીસે વિસ્તારને ઘેરીને કાર્યવાહી કરતા કુલ 16 જુગારીઓને સ્થળ પરથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ જુગારધામ રાજેશ ઉર્ફે લાલો ગુલાબ પરમાર દ્વારા સંચાલિત કરવામાં આવતું હતું. રાજેશ પરમાર સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમારનો સગો ભત્રીજો હોવાનું સામે આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્યના પોતાના જ ગામમાં અને તેમના નજીકના સંબંધી દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની માહિતી સામે આવતા સ્થાનિક રાજકારણમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
સ્ટેટ વિજિલન્સની ટીમે આ દરોડા દરમિયાન સ્થળ પરથી કુલ 22.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 3.20 લાખ રૂપિયા રોકડા, મોબાઈલ ફોન તેમજ અન્ય વાહનોનો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે અને આ મામલે લીંબાસી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
એક તરફ રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારીની વાતો કરી રહી છે ત્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યના ભત્રીજા સામે થયેલી આ કાર્યવાહી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા જ આ ઘટનાને પગલે માતર તાલુકાના રાજકારણમાં ગરમાવો વધુ તેજ બન્યો છે.