નડિયાદ:ખેડા જિલ્લામાં ચૂંટણી માહોલ વચ્ચે એક મોટો વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ પરીખે વહીવટી તંત્ર અને ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, પોસ્ટલ બેલેટ મતદાન દરમિયાન મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે નિયમોને નેવે મૂકીને બિનઅધિકૃત રીતે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ચિરાગ પરીખના જણાવ્યા અનુસાર, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરીમાં કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર મતદાન મથક ઉભું કરી દેવામાં આવ્યું હતું. સૌથી ચોંકાવનારો દાવો એ છે કે, ત્યાં સત્તાવાર મતપેટીને બદલે પુઠાની બનાવેલી મતપેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ ઉમેદવારના મતે આ પ્રક્રિયા સંપૂર્ણપણે બિનઅધિકૃત છે અને લોકશાહીના મૂલ્યો સાથે ચેડાં સમાન છે.
આક્ષેપ કરવામાં આવ્યો છે કે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ પ્રણવ સાગરે પોતાની સત્તાનો દુરુપયોગ કરી, ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ જઈને આ વ્યવસ્થા ઉભી કરી હતી. આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને લેખિતમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
આ ઘટનાને પગલે ખેડા જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસે આને લોકશાહી માટે ખતરો ગણાવી આક્રમક વલણ અપનાવ્યું છે, જ્યારે ભાજપના સ્થાનિક નેતાઓએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને ચૂંટણીલક્ષી ગણાવી નકારી કાઢ્યા છે. બીજી તરફ, ચૂંટણી અધિકારીઓએ આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. હવે સૌની નજર તપાસના રિપોર્ટ અને આગામી કાર્યવાહી પર ટકેલી છે.