Advertisement

ખેડામાં ભ્રષ્ટાચાર સામે 'દાદા'નું કડક વલણ: ધારાસભ્યએ હથોડો મારી પોલ ખોલતા જ ૨૪ કલાકમાં કેનાલ પર ફરી વળ્યું બુલડોઝર

ખેડામાં ભ્રષ્ટાચાર સામે 'દાદા'નું કડક વલણ: ધારાસભ્યએ હથોડો મારી પોલ ખોલતા જ ૨૪ કલાકમાં કેનાલ પર ફરી વળ્યું બુલડોઝર

ખેડા: ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિનો વધુ એક પુરાવો ખેડા જિલ્લામાં જોવા મળ્યો છે. અહીંના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામ પાસેથી પસાર થતી માઇનોર કેનાલના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાનું સામે આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશથી કેનાલના નબળા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. ધારાસભ્યની રજૂઆતના ગણતરીના ૨૪ કલાકમાં જ લેવાયેલા આ કડક એક્શનથી ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


સમગ્ર વિગત મુજબ, મહેમદાવાદના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે વાંઠવાળી પાસે બની રહેલી કેનાલની કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન કામગીરી અત્યંત નબળી જણાતા ધારાસભ્યએ જાતે જ હથોડી વડે કેનાલના સ્લેબ પર ફટકા માર્યા હતા. સામાન્ય હથોડીના ફટકાથી જ સિમેન્ટના પોપડા ઉખડી જતાં અને સળિયા દેખાવા લાગતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ હતી. કામમાં લોટ, પાણી અને લાકડા જેવી નીતિ અપનાવાઈ હોવાનું સ્પષ્ટ જણાતા તેમણે તાત્કાલિક મુખ્યમંત્રીને પુરાવા સાથે રજૂઆત કરી હતી. 


ધારાસભ્યની રજૂઆત બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી હતી. જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ અને નબળી કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં તેવા સ્પષ્ટ સંકેત સાથે 'દાદાનું બુલડોઝર' કેનાલ પર ફરી વળ્યું હતું. માત્ર ૨૪ કલાકની અંદર જ આ નબળી ગુણવત્તાવાળી કેનાલને તોડી પાડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ પગલાંએ સાબિત કર્યું છે કે વિકાસના કામોમાં ગુણવત્તા સાથે સમજૂતી કરનારાઓ સામે સરકાર કડક હાથે કામ લેશે.


તંત્ર દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણય મુજબ, હવે આ સમગ્ર કેનાલનું નિર્માણ કોન્ટ્રાક્ટરે પોતાના ખર્ચે ફરીથી કરવું પડશે. સરકારે કોન્ટ્રાક્ટરને કડક ચેતવણી આપી છે કે હવે પછીના કામમાં જો ફરી આવી ક્ષતિ જણાશે તો તેને બ્લેકલિસ્ટ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. સ્થાનિક ખેડૂતોએ પણ ધારાસભ્ય અને સરકારની આ ત્વરિત કામગીરીને બિરદાવી છે, કારણ કે નબળી કેનાલ ભવિષ્યમાં તૂટી જવાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ હતી.

Advertisement