ખેડા જિલ્લાના નેશનલ હાઈવે નં. 8 પર પીજ ચોકડી બ્રિજ નજીક આજે એક અકસ્માત સર્જાયો હતો. ખાલી આઈસર ટ્રકના ડ્રાઈવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ગંભીર ઇજા થવા પામી નથી.
પ્રાપ્ત માહિતી મુજબ, પીજ ચોકડી બ્રિજ પાસેથી પસાર થતી ખાલી આઈસર ટ્રક અચાનક ડ્રાઈવરનો કાબુ છૂટતા રોડ પર પલટી ગઈ હતી. અકસ્માત બાદ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક અવરોધ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડ્રાઈવર સલામત રીતે બહાર આવી ગયો હતો.
અકસ્માતની જાણ મળતા પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પલટી ગયેલી આઈસર ટ્રકને હાઈવે પરથી હટાવી ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વાહનની સ્ટેરીંગ સિસ્ટમમાં ખામી અથવા ડ્રાઈવરથી થયેલી બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતાં લોકોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો, જ્યારે વાહનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.