Advertisement

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારોને ખર્ચ મર્યાદા અને આચારસંહિતાની માહિતી

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારોને ખર્ચ મર્યાદા અને આચારસંહિતાની માહિતી

નડિયાદ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થયા બાદ ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોને ચૂંટણી પ્રક્રિયા, ખર્ચ મર્યાદા અને આદર્શ આચારસંહિતા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ રજૂ કરીને લોકશાહી ઢબે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજવા જિલ્લાવાસીઓને હાકલ કરવામાં આવી હતી.


જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં આવનાર ૨૬ એપ્રિલે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, ૯ તાલુકા પંચાયતોની ૧૭૬ બેઠકો અને નડિયાદ મહાનગરપાલિકાના ૧૩ વોર્ડની કુલ ૫૨ બેઠકો માટે મતદાન યોજાશે. ઉપરાંત કપડવંજ, કણજરી, કઠલાલ અને ઠાસરા નગરપાલિકાઓમાં પણ સામાન્ય ચૂંટણી યોજાનાર છે.


ચૂંટણી ખર્ચ અંગે માહિતી આપતાં જિલ્લા તંત્રએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના દરેક ઉમેદવાર માટે ૬ લાખ રૂપિયા, તાલુકા પંચાયત માટે ૩ લાખ રૂપિયા અને નડિયાદ મહાનગરપાલિકાના દરેક વોર્ડ માટે ૯ લાખ રૂપિયા સુધીની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. હરીફ ઉમેદવારોએ આ ખર્ચનો વિગતવાર હિસાબ સંબંધિત ચૂંટણી અધિકારી સમક્ષ ફરજિયાત રજૂ કરવાનો રહેશે. જ્યારે નગરપાલિકાના ઉમેદવારો માટે ૧ થી ૯ વોર્ડ સુધી ૨.૨૫ લાખ રૂપિયા અને ૯થી વધુ વોર્ડ માટે ૩.૫૦ લાખ રૂપિયા સુધી ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે.


ચૂંટણી જાહેર થતા જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણી પ્રચાર માટે વપરાતા હોર્ડિંગ્સ અને પ્રચાર સામગ્રી અંગે તંત્ર દ્વારા કડક માર્ગદર્શિકા આપવામાં આવી છે. હોર્ડિંગની સાઈઝ ૧૫×૮ ફૂટથી વધુ નહીં રાખી શકાય અને તેની ઊંચાઈ ૮ ફૂટથી વધારે રાખવાની મંજૂરી નહીં હોય. પ્રચાર સાહિત્ય છપાવવા માટે ઉમેદવારને પ્રેસ સાથે એકરારનામું કરવું પડશે અને છપાતી સામગ્રીમાં મુદ્રક, પ્રકાશકનું નામ તેમજ નકલોની સંખ્યા દર્શાવવી ફરજિયાત રહેશે. આ ખર્ચ પણ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં જ ગણાશે.


ઉમેદવારના કાર્યાલય અને પ્રચાર માટે વપરાતા વાહનો માટે ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત રહેશે. પ્રચાર વાહનો માટેની પરમિટ ફી આર.ટી.ઓ. કચેરીમાં જમા કરાવવાની રહેશે. ઉપરાંત લાઉડસ્પીકરનો ઉપયોગ સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી જ કરવાની મંજૂરી આપવામાં આવશે.


સભા, રેલી અને સરઘસ માટે જિલ્લા તંત્ર દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર પોલીસના અભિપ્રાય બાદ મંજૂરી આપવામાં આવશે. તેમજ મતદાન પહેલાંના છેલ્લાં ૪૮ કલાક દરમિયાન તમામ પ્રકારના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે.


આ ઉપરાંત પેઈડ ન્યૂઝ અને ડિજિટલ પ્રચાર પર નજર રાખવા જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને વિશેષ મોનિટરિંગ સમિતિ રચવામાં આવી છે. કેબલ નેટવર્ક, ડીશ ચેનલ અથવા સ્થાનિક ચેનલોમાં પ્રચાર માટે પણ નિયમો લાગુ રહેશે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો અને હોસ્પિટલોમાં ચૂંટણી પ્રચાર કરવો કડક મનાઈ છે.


જિલ્લા તંત્રએ તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણી નિયમોનું પાલન કરીને લોકશાહી પદ્ધતિથી ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપવા અપીલ કરી છે.

Advertisement