ખેડા જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચર્ચામાં
નડિયાદ, ખેડા જિલ્લાના મુખ્ય મથક, ખાતે આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પીઠ ચોકડીએ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ યાત્રા નડિયાદના માર્ગો પર આગળ વધી હતી.
આ યાત્રામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ તુષાર ચૌધરી સહિત પ્રદેશના અનેક મોટા નેતાઓ અને અગ્રણીઓ જોડાયા છે. પીજ ચોકડી ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પીજ ચોકડીથી યાત્રા શહેરના આંતરિક માર્ગો તરફ રવાના થઈ હતી. યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ તુષારભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ રાણા અને નડિયાદ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. અહીં મહાનુભાવો દ્વારા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ભાવપૂર્વક અંજલિ આપવામાં આવી હતી.
ત્યારપછી આ રેલી ઐતિહાસિક સંતરામ રોડ પરથી પસાર થઈ હતી.. આ માર્ગ પર આવેલા ગ્રુપ સિનેમા પાસેથી પસાર થઈ યાત્રા સીધી સરદાર સાહેબના નિવાસસ્થાને પહોંચી હતી. યાત્રાના અંતિમ ચરણમાં, સમગ્ર માર્ગનું ભ્રમણ કર્યા બાદ યાત્રા સંતરામ મંદિર ખાતે પહોંચી હતી. અહીં સંતરામ મહારાજના સાનિધ્યમાં યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.