Advertisement

ખેડા જિલ્લામાં 24 કલાકમાં ગૌવંશ પર અત્યાચારની બે ઘટનાઓ, નડિયાદમાં વાછરડાનો મૃતદેહ અને મહુધામાં 50 પોટલાં મળતા રોષ

ખેડા જિલ્લામાં 24 કલાકમાં ગૌવંશ પર અત્યાચારની બે ઘટનાઓ, નડિયાદમાં વાછરડાનો મૃતદેહ અને મહુધામાં 50 પોટલાં મળતા રોષ

ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે ગૌવંશની હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. આજે વહેલી સવારે નડિયાદ શહેરના જાણીતા માઈમંદિર પાસે આવેલા ગરનાળા નજીકથી અત્યંત ક્રૂર અને લોહીલુહાણ હાલતમાં એક વાછરડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને પશુપ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બીજી તરફ ગત રાત્રે જ મહુધાની કેનાલમાંથી ગૌ માંસના 50 પોટલાં મળતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.


હિન્દુ સેનાના અગ્રણીઓ દોડી આવ્યા

આ સમગ્ર મામલે જાણ થતા હિન્દુ સેનાના અગ્રણી રાજન ત્રિપાઠી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગૌવંશ પર અત્યાચાર અને કતલની ઘટનાઓ સતત વધી રહી છે. આજની ઘટનામાં જે રીતે વાછરડું મળી આવ્યું છે તે માનવતાને શરમાવે તેવી ક્રૂરતા છે.


એફ.એસ.એલ. તપાસ કરવાની માંગ

 ઘટનાસ્થળની પરિસ્થિતિ વર્ણવતા રાજન ત્રિપાઠીએ ઉમેર્યું કે, વાછરડાનું શરીર અત્યંત ખરાબ હાલતમાં હતું. શરીરના અંગોને તીક્ષ્ણ હથિયાર કે છરાથી ચીરી નાખવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. જોકે, સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કદાચ કૂતરાઓએ વાછરડાને ફાડી ખાધુ હોય. આ બાબતે તાત્કાલિક પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે અને પશુ ચિકિત્સકોની મદદથી એફ.એસ.એલ. તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી ગુનેગારોના પુરાવા મળી શકે.


મહુધામાં માંસના 50 પોટલાં મળ્યા

ગત રાત્રિએ જ મહુધાના વડતાલ કેનાલમાંથી ગૌવંશના માંસથી ભરેલા 50થી વધુ પોટલાં મળી આવ્યા હતા. હાલમાં હિન્દુ સંગઠનો અને પશુપ્રેમીઓ દ્વારા આ મામલે કડક તપાસ કરી દોષિતોની ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આકરા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અત્યારે સમગ્ર શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને પોલીસ પુરાવા એકત્ર કરી તપાસમાં જોતરાઈ છે.

Advertisement