ચરોતર પંથકની મહત્વની સહકારી સંસ્થા ગણાતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની આગામી ચૂંટણીને લઈને સહકારી રાજકારણમાં હલચલ તેજ બની છે. વર્તમાન બોર્ડનો કાર્યકાળ આગામી જાન્યુઆરી મહિનામાં પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે બેંકની કુલ 21 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પૂર્વે જ સહકારી આગેવાનોની સક્રિયતાએ રાજકીય માહોલ ગરમાવ્યો છે.
ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ સહકારી મંડળીઓ દ્વારા મતદાન અંગેના ઠરાવો રજૂ કરવાનો અંતિમ દિવસ હોવાથી બેંકની મુખ્ય કચેરી ખાતે આગેવાનો અને નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો. અંતિમ દિવસે મોટી સંખ્યામાં સહકારી આગેવાનોની હાજરીએ આગામી ચૂંટણીમાં કબજો મેળવવા માટેની રાજકીય હોડના સંકેતો આપ્યા છે.
બીજી તરફ, ચૂંટણી પહેલાં ચરોતર પંથકના રાજકીય સમીકરણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસમાં બે મોટા નેતાઓ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ અને જૂથવાદની અસર સહકારી ક્ષેત્રમાં પણ પડી રહી હોવાની ચર્ચા છે. પક્ષની આંતરિક નારાજગીના કારણે અનેક સહકારી આગેવાનો કોંગ્રેસથી દૂર થયા છે, જેનો રાજકીય ફાયદો શાસક પક્ષને મળી રહ્યો હોવાની સ્થિતિ ઊભી થઈ છે.
સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસની પકડ નબળી પડી
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ચરોતરના આર્થિક અને સહકારી માળખામાં મહત્વનું સ્થાન ધરાવે છે. બેંક પાસે 3 હજારથી વધુ સભાસદ મંડળીઓ અને અંદાજે 84 શાખાઓનું નેટવર્ક હોવાનું જણાવાય છે. આવી મોટી સહકારી સંસ્થાની સત્તા મેળવવા માટે વિવિધ રાજકીય જૂથો અત્યારથી જ સક્રિય બન્યા છે.
છેલ્લી બે ટર્મથી સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસની પકડ નબળી પડી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ વચ્ચેની આંતરિક ખેંચતાણ, સત્તા અને હોદ્દાની સ્પર્ધા તેમજ નવા કાર્યકરોને પૂરતી તક ન મળવાના કારણે પક્ષના પાયાના કાર્યકરોમાં અસંતોષ વધ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આ ઉપરાંત, સહકારી ક્ષેત્રમાં સક્રિય રહેલા અનેક આગેવાનો કોંગ્રેસ છોડીને અન્ય રાજકીય પક્ષોમાં જોડાયા હોવાના કારણે પણ પક્ષનું સંગઠન નબળું પડ્યું હોવાનું માનવામાં આવે છે. હવે આ આંતરિક વિખવાદની અસર આગામી બેંક ચૂંટણીમાં કેટલી જોવા મળશે તે મહત્વનું બની રહેશે.
21 બેઠકો પર કોનું વર્ચસ્વ રહેશે?
ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની 21 બેઠકો પર કબજો મેળવવો માત્ર સહકારી ક્ષેત્ર પૂરતો જ નહીં, પરંતુ ચરોતરના રાજકીય વર્ચસ્વ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે ચૂંટણી પૂર્વે ઠરાવો રજૂ કરવાની પ્રક્રિયામાં દેખાયેલી આગેવાનોની સક્રિયતા આગામી દિવસોમાં નવા રાજકીય સમીકરણો સર્જી શકે છે.
હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ આંતરિક મતભેદો ભૂલી સહકારી ક્ષેત્રમાં ફરી પોતાની પકડ મજબૂત કરી શકશે કે પછી શાસક પક્ષ પોતાનું વર્ચસ્વ યથાવત્ રાખવામાં સફળ રહેશે.