Advertisement

ખેડા ભાજપને મોટો ઝટકો: કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ખેડા ભાજપને મોટો ઝટકો: કઠલાલના પૂર્વ ધારાસભ્ય સહિત 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. કઠલાલ તાલુકામાં ભાજપના શાસન અને સંગઠનની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરતા અંદાજે 200 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ સામૂહિક રીતે ભાજપનો ત્યાગ કરી કોંગ્રેસમાં જોડાયા છે. વર્ષોથી ભાજપમાં સક્રિય રહેલા યુવા મોરચાના પૂર્વ મહામંત્રી લખન ડાભી અને કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના ભત્રીજા મહેશભાઈ ડાભી સહિતના આગેવાનો કોંગ્રેસનો ખેસ ધારણ કરતા જિલ્લામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.


મળતી માહિતી મુજબ, કઠલાલ તાલુકાની પીઠાઈ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા ભાજપના અનેક હોદ્દેદારો અને કાર્યકરોમાં લાંબા સમયથી અસંતોષ જોવા મળી રહ્યો હતો. આ અસંતોષને પગલે કાર્યકરોએ સામૂહિક રીતે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં આ તમામ કાર્યકરોને વિધિવત રીતે કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા હતા. પક્ષ છોડનારાઓમાં વર્તમાન તાલુકા પંચાયત સભ્યો, પૂર્વ સભ્યો તેમજ અનેક ગામોના સરપંચો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.


ભાજપ છોડનાર કાર્યકરોનો આક્ષેપ છે કે, લાંબા સમયથી પક્ષ માટે નિષ્ઠાપૂર્વક કામ કરનાર જૂના કાર્યકરોને અવગણવામાં આવી રહ્યા છે અને સંગઠનમાં તેમને યોગ્ય સ્થાન મળતું નથી. ખાસ કરીને કઠલાલ તાલુકામાં જૂના કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવતા ભારે અસંતોષ ફેલાયો હતો, જેના કારણે આ સામૂહિક પક્ષ પલટો થયો છે.


આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે ભાજપની નીતિઓથી કંટાળીને હવે લોકો કોંગ્રેસ તરફ વળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત બાદ અનેક બેઠકો પર યોજાયેલી બેઠકોમાં ભાજપના પાયાના કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ લખન ડાભીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 22 વર્ષથી ભાજપમાં સક્રિય રહ્યા છે, પરંતુ હાલ પક્ષમાં તાનાશાહી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હોવાથી અને કાર્યકરોનું સન્માન જળવાતું ન હોવાથી તેમણે કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો છે.

Advertisement