મિત્રો સાથે પત્તા રમતા હોવ તો સાવધાન! પરંતુ શું માત્ર પત્તા રમતા પકડાઈ જવાથી જ જુગારનો કેસ બની શકે?
આ સવાલનો જવાબ ગુજરાત હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ અવલોકન બાદ ચર્ચામાં આવ્યો છે.
અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં પોલીસે ખાનગી ફ્લેટમાં દરોડો પાડી પત્તા, સિક્કા અને રોકડ સાથે કેટલાક લોકોને પકડ્યા હતા. આરોપીઓ સામે જુગારધારાની કલમ 4 અને 5 હેઠળ કાર્યવાહી થઈ હતી.
પરંતુ હાઈકોર્ટે નોંધ્યું કે માત્ર ખાનગી ફ્લેટમાં લોકો પત્તા રમતા મળી આવ્યા એટલા પરથી તે સ્થળને ‘કોમન ગેમ્બલિંગ હાઉસ’ કહી શકાય નહીં. ખાસ કરીને મકાન માલિકને જુગારના કારણે કોઈ નફો કે આર્થિક ફાયદો મળતો હોવાનો પૂરતો પુરાવો પણ રજૂ થયો ન હતો.
તો હવે સૌથી મોટો સવાલ—શું ઘરમાં પત્તા રમવું કાયદેસર છે?
વકીલોના મતે, અહીં માત્ર પત્તા મળ્યા કે રોકડ મળી એટલું પૂરતું નથી. જો હાર-જીત માટે પૈસાની લેવડદેવડ, નફો, ચાર્જ અથવા અન્ય આર્થિક લાભ થતો હોવાનો પુરાવો હોય તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
બીજી તરફ, મિત્રો કે પરિવારજનો માત્ર મનોરંજન માટે, કોઈ નાણાકીય હાર-જીત વિના પત્તા રમતા હોય તો પરિસ્થિતિ અલગ બની શકે છે.
અને ખાનગી મકાનમાં પોલીસ કાર્યવાહી કરે ત્યારે કાયદાકીય પ્રક્રિયા અને સર્ચ વોરંટ જેવી જોગવાઈઓનું પાલન પણ મહત્વનું છે.
અર્થાત્, ‘ઘરમાં પત્તા રમ્યા એટલે સીધો જુગારનો કેસ’—એવું દરેક કિસ્સામાં કહી શકાય નહીં. કેસમાં નાણાકીય હાર-જીત, નફો અને સ્થળની પરિસ્થિતિ સહિતના પુરાવા મહત્વના બને છે.
તો મિત્રો સાથે પત્તા રમો છો? પત્તા કરતાં પહેલાં કાયદો સમજી લો… કારણ કે રમત ભલે હાથમાં હોય, પણ નિયમો કાયદાના છે!