ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખંભાત ખાતે ₹234 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ખંભાત શહેરની વર્ષોથી ચાલતી 3500 થી 4000 TDS વાળા ખારા પાણીની સમસ્યાનો હવે અંત આવવાની જાહેરાત કરી હતી. આ યોજના પૂર્ણ થતાં શહેરવાસીઓને શુદ્ધ અને મીઠું પાણી ઉપલબ્ધ થશે.
ચકડોળ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગોલાણા ખાતે ₹28 કરોડના ખર્ચે ફોર-લેન માર્ગનું નિર્માણ ચાલી રહ્યું છે. તેમણે વિકાસ કાર્યોમાં ગુણવત્તા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો હતો જેથી આવનાર સમયમાં વધુ સુવ્યવસ્થિત વિકાસ શક્ય બને.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની મજબૂત નાણાકીય વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. સાથે જ ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને સાકાર કરવા સૌને સાથે મળીને કાર્ય કરવા અપીલ કરી હતી. તેમણે ખંભાતને પતંગ ઉદ્યોગનું મહત્વપૂર્ણ કેન્દ્ર ગણાવ્યું અને પતંગોત્સવથી આ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે મળેલા લાભોની પણ ચર્ચા કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ ₹234 કરોડના 49 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં ખંભાત વિધાનસભા વિસ્તારમાં જ ₹182 કરોડના ખર્ચે રોડ-રસ્તા, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના પાયાના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે શુદ્ધ પાણી ઉપલબ્ધ થવાથી પાણીજન્ય રોગોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
આ વિકાસ કામોમાં માર્ગ અને મકાન વિભાગના 13, પંચાયત વિભાગના 12, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના 10, શિક્ષણ વિભાગના 5, નર્મદા જળસંપત્તિ તથા પાણી પુરવઠા વિભાગના 5 અને આરોગ્ય વિભાગના 4 પ્રકલ્પોનો સમાવેશ થાય છે. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીએ ‘વિકસિત ખંભાત, વિકસિત આણંદ, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત’ના નારા સાથે પોતાના વક્તવ્યનું સમાપન કર્યું હતું.