ખંભાત: ખંભાત શહેરમાં યોજાનારા પરંપરાગત દિવાળી લોકમેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન લોકમેળાના વિવિધ વિભાગોની હરાજીમાં વેપારીઓ અને એજન્સીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હરાજીના પરિણામે ગત વર્ષની સરખામણીએ નગરપાલિકાને વધુ આવક મળવાની સ્થિતિ સર્જાઈ છે.
ખંભાત નગરપાલિકા દ્વારા યોજાયેલી હરાજીમાં ચકડોળ ગ્રાઉન્ડનો ઇજારો રૂ.65 લાખમાં કરવામાં આવ્યો છે. અર્જુન એન્ટરટેન્ટમેન્ટના માલિકે સૌથી ઊંચી બોલી લગાવી ઇજારો મેળવ્યો હતો. 18 ટકા GST સાથે તેની કુલ રકમ રૂ.76.70 લાખ થાય છે.
બીજી તરફ, પાથરણા વિભાગનો ઇજારો રૂ.15 લાખમાં નક્કી થયો છે. જનકભાઈ બ્રહ્મભટ્ટે સૌથી ઊંચી બોલી લગાવી હતી. GST સહિત આ ઇજારાની કુલ રકમ રૂ.17.70 લાખ થાય છે.
15 જેટલી એજન્સીઓએ ચકડોળ ગ્રાઉન્ડ માટે બોલી લગાવી
ચકડોળ ગ્રાઉન્ડની હરાજીમાં આશરે 15 જેટલી એજન્સીઓએ ભાગ લીધો હતો. વિવિધ તબક્કાની સ્પર્ધાત્મક બોલી બાદ અર્જુન એન્ટરટેન્ટમેન્ટ દ્વારા રૂ.65 લાખની અંતિમ બોલી લગાવવામાં આવી હતી.
પાથરણા વિભાગની હરાજીમાં પણ વેપારીઓ અને એજન્સીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ વિભાગ માટે આશરે 7 એજન્સીઓએ ભાગ લીધો હતો અને અંતે રૂ.15 લાખની બોલી પર ઇજારો ફાઇનલ કરવામાં આવ્યો હતો.
ગત વર્ષની સરખામણીએ આવકમાં વધારો
આ વર્ષે ચકડોળ ગ્રાઉન્ડનો ઇજારો રૂ.65 લાખમાં થયો છે, જ્યારે ગત વર્ષે આ જ ઇજારો રૂ.48 લાખમાં થયો હતો. એટલે કે આ વર્ષે રૂ.17 લાખનો વધારો નોંધાયો છે.
તેવી જ રીતે, ગત વર્ષે પાથરણા વિભાગનો ઇજારો રૂ.9.50 લાખમાં થયો હતો, જે આ વર્ષે વધીને રૂ.15 લાખ થયો છે. આમ, આ વિભાગમાં પણ નગરપાલિકાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
ચકડોળની ટિકિટના દર પણ નક્કી
દિવાળી લોકમેળા દરમિયાન ચકડોળ માટે ટિકિટના દર પણ નક્કી કરવામાં આવ્યા છે. નાની ચકડોળની ટિકિટ રૂ.50 અને મોટી ચકડોળની ટિકિટ રૂ.70 રાખવામાં આવી છે.
નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની હાજરીમાં યોજાયેલી હરાજી બાદ હવે આગામી દિવસોમાં લોકમેળાની અન્ય વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવશે. ખંભાતમાં આશરે 20 દિવસ સુધી ચાલનારા આ લોકમેળાને લઈને શહેરીજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.