ખંભાત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વીજળીની સમસ્યાને લઈને સ્થાનિકોએ સતત બે દિવસ સુધી પાવર હાઉસનો ઘેરાવ કરી તંત્ર સમક્ષ વીજ પુરવઠો નિયમિત કરવાની માંગ કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, શહેરમાં દરરોજ રાત્રિના સમયે બે થી ત્રણ કલાક સુધી વીજળી બંધ રહે છે. વીજ પુરવઠો શરૂ થયા બાદ પણ થોડા સમય પછી ફરીથી લાઈટ જતી રહેતી હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગત રાત્રે પણ ત્રણથી ચાર વખત વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
આ સમગ્ર મામલે કાર્યપાલક ઇજનેર સમીર મલેકે જણાવ્યું હતું કે, સિટી ફીડરના અંડરગ્રાઉન્ડ કેબલમાં આગ લાગવાના કારણે વીજ પુરવઠાની સમસ્યા સર્જાઈ હતી. પરિસ્થિતિને સંભાળવા માટે સિટી ફીડરનો લોડ પાણીયારી અને લુણેજ ફીડર પર વહેંચવામાં આવ્યો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ, અંડરગ્રાઉન્ડ કેબલનું જરૂરી સમારકામ હવે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આજથી સિટી, પાણીયારી અને લુણેજ એમ ત્રણેય ફીડરનો લોડ ફરી નિયમિત કરવામાં આવ્યો છે.
તંત્રના જણાવ્યા પ્રમાણે, લોડનું વિતરણ સામાન્ય થતાં હવે ખંભાત શહેરમાં વીજ પુરવઠો નિયમિત થવાની શક્યતા છે. જોકે, સતત વીજ કાપથી પરેશાન સ્થાનિકો હવે વીજ પુરવઠો ખરેખર કેટલો નિયમિત રહે છે તેના પર નજર રાખી રહ્યા છે.