Advertisement

ખંભાતમાંથી સાયબર ફ્રોડ ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો, 149 બેંક એકાઉન્ટથી દેશભરમાં ઠગાઈ

ખંભાતમાંથી સાયબર ફ્રોડ ગેંગનો વધુ એક આરોપી ઝડપાયો, 149 બેંક એકાઉન્ટથી દેશભરમાં ઠગાઈ

આણંદ, 28 મે 2026 : આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે દેશભરમાં સાયબર ફ્રોડ આચરનારી આંતરરાજ્ય ગેંગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં વધુ એક આરોપીને ખંભાતમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે પ્રેમકુમાર પરેશભાઈ પટેલ (રહે. સાયમા, તા. ખંભાત) ની ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મુજબ આ ગેંગ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોના લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવતી હતી.


તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓએ 149 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ફ્રોડથી મેળવેલા નાણાં પાકિસ્તાન, યુગાન્ડા અને યુએઈ જેવા દેશોમાં બાયનાન્સ આઈડી મારફતે ટ્રાન્સફર કર્યા હતા. સમગ્ર કૌભાંડ માટે આરોપીઓએ સંગઠિત રીતે ષડયંત્ર રચી વિવિધ લોકોના બેંક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.


આ કેસમાં આણંદ સાયબર ક્રાઇમ પોલીસે અગાઉ દક્ષેશ નથુભાઈ પટેલ (મહેસાણા), શિવાની રાકેશભાઈ ડબગર (સુરત) અને ધ્રુવ દક્ષેશકુમાર પટેલ (અમદાવાદ) ને ઝડપી પાડ્યા હતા. આ ગેંગ સામે અત્યાર સુધીમાં આશરે 30 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે.


પોલીસે જણાવ્યું હતું કે હજુ પ્રફુલ લાલજી બુટાણી, હેતલ દક્ષેશ પટેલ અને શિવમ રાકેશ ડબગર નામના ત્રણ આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement