ખંભાતમાં બુટલેગરને પકડવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ!
પોલીસની કામગીરીમાં રૂકાવટ કરવાના આરોપસર એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે.
પોલીસ સૂત્રો મુજબ, ખંભાત શહેર પોલીસે ભીલવાસ વિસ્તારમાં દરોડો પાડી સુનિલ ગણેશ ભીલને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો સોહેલ ઉર્ફે કાલુ મનહર ઉર્ફે મનુ રાણાનો હોવાનું સામે આવ્યું હતું.
સોહેલને ઝડપી પાડવા પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન તે બાવાબાજીશા મસ્જિદ સામે આવેલા ટેકરા પરના ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી.
ત્યાં સોહેલના પિતા મનહર રાણા સહિત અન્ય લોકો હાજર હતા. પોલીસે પૂછપરછ શરૂ કરી અને કેટલાક મોબાઈલ ફોનની તપાસ પણ કરી હતી. આ દરમિયાન સોહેલના પિતા મનહર ઉર્ફે મનુ રાણા ઉશ્કેરાઈ ગયા હોવાનો પોલીસનો આક્ષેપ છે.
પોલીસના જણાવ્યા મુજબ, તેમણે પોલીસને ઘરમાં અન્ય મુદ્દામાલની તપાસ કરતા અટકાવી, અપશબ્દો બોલ્યા અને પ્રેસનું આઈકાર્ડ બતાવી પત્રકાર હોવાનું જણાવી પોલીસને ધમકી આપી હતી.
સમગ્ર મામલે ખંભાત શહેર પોલીસે મનહર ઉર્ફે મનુ જીસાહેબ રાણા વિરુદ્ધ પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.