ખંભાત તાલુકાના મિતલી ગામમાંથી બોગસ તબીબી પ્રેક્ટિસનો કિસ્સો સામે આવ્યો છે. બારડ ફળિયામાં ભાડાના મકાનમાં ક્લિનિક ચલાવી દર્દીઓને એલોપેથી પદ્ધતિથી સારવાર આપતી એક મહિલાને આરોગ્ય વિભાગ અને પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ, ખંભાતની રોહિણી પીએચસીના તબીબને મિતલી ગામમાં ગેરકાયદે ક્લિનિકમાં એલોપેથી સારવાર આપવામાં આવતી હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસને સાથે રાખીને ટીમે ક્લિનિક પર દરોડો પાડ્યો હતો. જોકે પ્રથમ દિવસે મકાન બંધ હોવાથી ટીમને પરત ફરવું પડ્યું હતું.
બીજા દિવસે બપોરે ફરી તપાસ હાથ ધરવામાં આવતા મકાનમાંથી ભાવના વિષ્ણુભાઈ પટેલ તબીબી પ્રેક્ટિસ કરતી ઝડપાઈ હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે મહિલા પાસે કર્ણાટક સ્ટેટ ડિપ્લોમા ઇન નર્સિંગનું પ્રમાણપત્ર, કર્ણાટક સ્ટેટ નર્સિંગ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અને ગુજરાત નર્સિંગનું પ્રમાણપત્ર હતું. જોકે નર્સિંગની લાયકાત હોવા છતાં તે એલોપેથી પદ્ધતિથી દર્દીઓની સારવાર કરતી હોવાનો આરોપ છે.
ક્લિનિકમાંથી એલોપેથી દવાઓ, ઈન્જેક્શન અને રોકડ સહિત કુલ રૂ.71,974નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચરોતરમાં 2 વર્ષમાં 11થી વધુ બોગસ તબીબ ઝડપાયા
નોંધનીય છે કે ચરોતર વિસ્તારમાં છેલ્લા બે વર્ષ દરમિયાન 11થી વધુ બોગસ તબીબો ઝડપાઈ ચૂક્યા છે. જોકે કોઈ મહિલા બોગસ ક્લિનિક ચલાવતી ઝડપાઈ હોવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ, બોગસ તબીબો સામેની કાર્યવાહી બાદ પણ અંતરિયાળ વિસ્તારોમાં આવા ગેરકાયદે ક્લિનિકો ઉભા થતા હોવાના સવાલો ઉઠી રહ્યા છે. કાનૂની કાર્યવાહી, કેસની તપાસ અને સજાની પ્રક્રિયા અંગે પણ અસરકારક અમલીકરણની જરૂરિયાત હોવાનું આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે.
ખાસ કરીને ગામડાં અને અંતરિયાળ વિસ્તારોમાં નિયમિત દેખરેખના અભાવે ગેરકાયદે તબીબી પ્રેક્ટિસનું જોખમ વધી શકે છે, ત્યારે આરોગ્ય વિભાગની કામગીરી માત્ર બાતમી મળ્યા બાદની કાર્યવાહી પૂરતી સીમિત ન રહે અને નિયમિત તપાસ થાય તેવી પણ માંગ ઉઠી રહી છે.