ખંભાતમાં આગામી ઈદે મિલાદ પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી.
ઈદે મિલાદ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં તહેવારની ઉજવણી કરી શકે તે માટે ખંભાત પોલીસે સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. બાંટવાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ પેટ્રોલિંગમાં શહેરના મુખ્ય તેમજ સંવેદનશીલ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.
પોલીસ કાફલાએ નગીનાવાડી, પીઠબજાર, ત્રણ દરવાજા, પાંચ હાટડી, ત્રણ લીમડી અને પીરજપૂર સહિતના વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. બાંટવા ઉપરાંત PSI આર.આઈ. દેસાઈ, PSI આર.બી. વાઘેલા, સર્વેલન્સ સ્ટાફ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા.
પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ શહેરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
સાથે જ લોકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ઈદે મિલાદનો તહેવાર શાંતિ, ભાઈચારા અને ઉત્સાહ સાથે ઉજવવા અપીલ કરવામાં આવી હતી.
તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખંભાત પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે.