Advertisement

ખંભાત પાલિકા ચૂંટણીમાં 3 દિવસ સુધી એકપણ ફોર્મ નહીં ભરાતા ભ્રષ્ટાચાર સામે જનતા નો રોષ અને સ્વચ્છ ઉમેદવારોની માંગ ઉગ્ર બની!

ખંભાત પાલિકા ચૂંટણીમાં 3 દિવસ સુધી એકપણ ફોર્મ નહીં ભરાતા ભ્રષ્ટાચાર સામે જનતા નો રોષ અને સ્વચ્છ ઉમેદવારોની માંગ ઉગ્ર બની!

ખંભાત નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમ બનતો જઈ રહ્યો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે છેલ્લા ત્રણ દિવસમાં એકપણ ઉમેદવારી પત્ર ભરાયું નથી. આ સ્થિતિ મતદારોના બદલાયેલા મિજાજ અને રાજકીય પક્ષોની મૂંઝવણને સ્પષ્ટ રીતે દર્શાવે છે. છેલ્લા પાંચ વર્ષના વહીવટથી નારાજ જનતા હવે પરિવર્તનની માંગ સાથે ઉભી રહી છે અને ‘શિક્ષિત તેમજ સ્વચ્છ છબી’ ધરાવતા ઉમેદવારોને જ મેદાનમાં જોવા ઈચ્છે છે. સ્થાનિક સ્તરે પૂર્વ કાઉન્સિલરો સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે પક્ષો માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવો મોટો પડકાર બની ગયો છે.

વિકાસના કામોમાં ઉદાસીનતા, ભ્રષ્ટાચાર અને નબળા વહીવટને કારણે ખંભાતની જનતા મૂળભૂત સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરી રહી છે, જેમાં ગંદકી, પાણીની સમસ્યા અને ખરાબ રસ્તાઓ જેવા મુદ્દાઓ મુખ્ય બની ગયા છે. આ વખતે ચૂંટણીમાં યુવાનો અને સ્વચ્છ છબી ધરાવતા નવા ચહેરાઓને તક આપવા માટે સોશિયલ મીડિયા પર જોરદાર માગ ઉઠી રહી છે. નિષ્ણાતો માને છે કે જો મુખ્ય રાજકીય પક્ષો ફરી જૂના ચહેરાઓ પર દાવ લગાવશે, તો અપક્ષ ઉમેદવારો માટે માર્ગ સરળ બની શકે છે અને ચૂંટણીનું પરિણામ ચોંકાવનારું બની શકે છે. જનતા હવે પક્ષ નહીં પરંતુ ઉમેદવારની લાયકાતને મહત્વ આપવાની તૈયારીમાં છે, જેના કારણે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની સંભાવના છે.

Advertisement