ખંભાત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ છેલ્લા 12 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. તેઓ 7મા પગાર પંચના અમલીકરણની મુખ્ય માંગ કરી રહ્યા છે. આ આંદોલનને સમર્થન આપવા માટે સમસ્ત વાલ્મિકી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ ખંભાતની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓની રજૂઆતો સાંભળી હતી.
જીતુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, રાજ્યની અન્ય નગરપાલિકાઓમાં વર્ષોથી 7મું પગાર પંચ અમલમાં છે. ત્યારે ખંભાત જેવી આર્થિક રીતે સધ્ધર નગરપાલિકામાં પણ સફાઈ કામદારોને આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજકારણીઓ અને અધિકારીઓ જાણી જોઈને વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના કાયદેસરના હક રોકી રહ્યા છે.
તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભા દરમિયાન સફાઈ કામદારોએ પોતાની રજૂઆત કરી હતી, જેમાં ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જીતુભાઈએ સ્પષ્ટતા કરી હતી કે કામદારોનો ઈરાદો કોઈ ઘર્ષણ કરવાનો નહોતો, પરંતુ માત્ર પોતાના હક મેળવવાનો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાલ્મિકી સમાજ મહેનતકશ સમાજ છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં માનતો નથી. તેથી, સરકાર અને નગરપાલિકાએ તાત્કાલિક ધોરણે 7મા પગાર પંચનો અમલ કરવો જોઈએ. ખંભાત નગરપાલિકા સધ્ધર હોવા છતાં, સફાઈ કામદારોને તેમના હકથી વંચિત રાખવા તે યોગ્ય નથી.