ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં આજે ભારે હોબાળો મચી ગયો હતો. આમ આદમી પાર્ટી (AAP) ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા રાજકીય વાતાવરણ ગરમાયું હતું. આ વિવાદ એટલો વકર્યો કે પોલીસે ઈસુદાન ગઢવી સહિત આશરે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આ ઘટનાને પગલે ખંભાળિયા પોલીસ મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ સમગ્ર વિવાદની શરૂઆત આમ આદમી પાર્ટીના એક કાર્યકર દીપક કુમાર સિંગ વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદથી થઈ હતી. ઈસુદાન ગઢવીનો આરોપ છે કે પોલીસે આ કાર્યકર પર ખોટી રીતે લૂંટની ગંભીર કલમો લગાવી છે. આ બાબતે રજૂઆત કરવા માટે ઈસુદાન ગઢવી તેમના સમર્થકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવતા ઈસુદાન ગઢવી અને ખંભાળિયા PI વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
પોલીસ સ્ટેશનની અંદર ચાલી રહેલી આ માથાકૂટ દરમિયાન 'આપ' ના કાર્યકરો મોબાઈલ ફોનથી વીડિયો ઉતારવા લાગ્યા હતા. પોલીસે સરકારી પરિસરમાં વીડિયો ઉતારવાની મનાઈ ફરમાવતા કાર્યકરો વધુ રોષે ભરાયા હતા અને પોલીસ સ્ટેશનમાં જ હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને તાત્કાલિક ધોરણે DYSP, LCB અને SOG સહિતની ટીમોને બોલાવવી પડી હતી. આખરે પોલીસે કાર્યવાહી કરતા તમામ કાર્યકરોને બે કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી કાયદેસરની અટકાયત કરી હતી.
આ ઘટના બાદ આમ આદમી પાર્ટી ગુજરાતે સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવ્યું છે. પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં જનતાના પ્રશ્નો ઉઠાવનારા નેતાઓને સાંભળવાને બદલે તેમની અટકાયત કરવામાં આવે છે. 'આપ' દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ભાજપ સરકારના ઈશારે પોલીસ વિરોધ પક્ષના નેતાઓને ખોટા કેસોમાં ફસાવવાનું ષડયંત્ર રચી રહી છે. આ ઘટનાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજ્યમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે.