Advertisement

કેનેડા વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ: વાસદની મહિલા પાસેથી 6 લાખની છેતરપિંડી, વડોદરાની મહિલા એજન્ટ સામે ફરિયાદ

કેનેડા વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ: વાસદની મહિલા પાસેથી 6 લાખની છેતરપિંડી, વડોદરાની મહિલા એજન્ટ સામે ફરિયાદ

વિદેશ જવાના સપના જોતા નાગરિકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીઓ સક્રિય બની રહી છે, ત્યારે વડોદરાના ગોરવા વિસ્તારમાં કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને એક મહિલા એજન્ટ દ્વારા આણંદ જિલ્લાના વાસદની મહિલાની સાથે રૂ.6 લાખથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વાસદમાં રહેતા 48 વર્ષીય તૃપ્તિબેન મિતેષભાઈ પટેલને કેનેડામાં વર્ક પરમિટ પર જવું હતું, ત્યારે તેમના ભાણેજ રાજ પટેલ દ્વારા ગોરવાના અંકુર વાટિકા સોસાયટીમાં રહેતી અને નિઝામપુરા વિસ્તારમાં ‘નીલ ઓવરસીઝ’ નામની વિઝા કન્સલ્ટન્સી ચલાવતી જ્યોતિબેન ગોસ્વામીનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. જ્યોતિબેને તબિયત ખરાબ હોવાના બહાને ઘરેથી જ કામકાજ કરતી હોવાનું કહી વિશ્વાસ જીત્યો હતો અને કેનેડાના બે વર્ષના વર્ક પરમિટ માટે કુલ રૂ.35 લાખ ખર્ચ થશે તેમજ 6થી 8 મહિનામાં કામ થઈ જશે તેવી ખાતરી આપી હતી. વિશ્વાસમાં આવી તૃપ્તિબેને જરૂરી દસ્તાવેજો આપ્યા અને ફાઈલ પ્રોસેસિંગના નામે ટુકડે-ટુકડે કરી રૂ.6 લાખ ચૂકવ્યા હતા. બાદમાં જ્યારે તૃપ્તિબેન પોતાનો પાસપોર્ટ જમા કરાવવા અમદાવાદ સ્થિત VFS ઓફિસે પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે કેનેડા વર્ક પરમિટ માટે તેમની કોઈ પણ ફાઈલ સિસ્ટમમાં દાખલ કરવામાં આવી જ નથી. ત્યારબાદ તૃપ્તિબેને એજન્ટ પાસે પૈસા પરત માંગતા જ્યોતિબેન ગોળમટોળ જવાબો આપવા લાગી અને અંતે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ભાન થતાં તૃપ્તિબેને ગોરવા પોલીસ સ્ટેશનમાં જ્યોતિબેન ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement