દેશમાં વધતા ડિજિટલ ફ્રોડ અને સાયબર ક્રાઈમને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને કડક પગલું ભર્યું છે. આગામી 1 માર્ચ 2026થી WhatsApp સહિત તમામ મેસેજિંગ એપ્લિકેશન્સ માટે નવો ‘સિમ-બાઈન્ડિંગ’ નિયમ અમલમાં મુકવામાં આવશે. આ નિયમ મુજબ, હવે એક્ટિવ સિમ કાર્ડ વગર મેસેજિંગ એપ્સનો ઉપયોગ શક્ય રહેશે નહીં.
શું છે ‘સિમ-બાઈન્ડિંગ’ નિયમ?
અત્યાર સુધી WhatsApp અથવા Telegram જેવી એપ્સમાં OTP દ્વારા એકવાર વેરિફિકેશન થયા બાદ, ફોનમાં સિમ કાર્ડ હોવું અનિવાર્ય નહોતું. વપરાશકર્તા સિમ કાઢી નાખ્યા બાદ પણ Wi-Fi દ્વારા એપનો ઉપયોગ કરી શકતા હતા.
પરંતુ 1 માર્ચ 2026થી નવી વ્યવસ્થા મુજબ, જે મોબાઇલ નંબર પર તમારું એકાઉન્ટ રજિસ્ટર્ડ છે તે સિમ તમારા ફોનમાં એક્ટિવ હોવું ફરજિયાત રહેશે.
-
જો સિમ કાઢી નાખવામાં આવશે તો એકાઉન્ટ કામ કરતું બંધ થઈ જશે.
-
જો રિચાર્જ ન હોવાને કારણે નંબર બંધ થશે તો પણ એકાઉન્ટ ઇન-એક્ટિવ થઈ જશે.
-
સિમ બીજા ફોનમાં મૂકતા જ જૂના ડિવાઈસ પરથી એકાઉન્ટ લોગઆઉટ થઈ જશે.
સરકારનું કારણ શું?
આ પગલાનું મુખ્ય ઉદ્દેશ ઓનલાઈન છેતરપિંડી, ફેક એકાઉન્ટ્સ અને સાયબર ગુનાઓ પર રોક લગાવવાનો છે.
Department of Telecommunications (DoT) દ્વારા 28 નવેમ્બર 2025ના રોજ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. મેસેજિંગ કંપનીઓને સિસ્ટમ અપડેટ કરવા માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેની સમયમર્યાદા હવે પૂર્ણ થવા આવી છે.
સરકારનું માનવું છે કે દરેક એકાઉન્ટ એક્ટિવ અને વેરિફાઈડ સિમ સાથે જોડાયેલું હશે તો સાયબર ગુનેગારોને ટ્રેસ કરવું વધુ સરળ બનશે.
WhatsApp Web અને Desktop યુઝર્સ માટે નવા નિયમો
નવા નિયમો માત્ર મોબાઇલ યુઝર્સ પૂરતા મર્યાદિત નથી.
WhatsApp Web અને ડેસ્કટોપ વર્ઝન માટે પણ કડક નિયમો લાગુ પડશે.
-
દર 6 કલાકે ઓટો લોગ-આઉટ થશે
-
ફરીથી QR કોડ સ્કેન કરીને લોગિન કરવું પડશે
-
મોબાઈલ નંબર બદલતા જ તમામ જૂના ડિવાઈસ પરથી એકાઉન્ટ ઇન-એક્ટિવ થઈ જશે.
શું રહેશે વપરાશકર્તાઓ પર અસર?
આ નવા નિયમો કારણે લાખો યુઝર્સને પોતાના સિમ કાર્ડ એક્ટિવ રાખવા અને સમયસર રિચાર્જ કરવાનું ખાસ ધ્યાન રાખવું પડશે. ખાસ કરીને તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે જે ડ્યુઅલ ડિવાઈસ અથવા Wi-Fi આધારિત ઉપયોગ કરતા હતા.
તેમ છતાં, સરકારનો દાવો છે કે આ પગલું ડિજિટલ સુરક્ષા મજબૂત બનાવવા અને દેશવ્યાપી સાયબર ક્રાઈમ ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.