કચ્છમાં ત્રાટક્યું માવઠું, હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 8 જિલ્લામાં વરસાદની શક્યતા

કચ્છમાં ત્રાટક્યું માવઠું, હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 8 જિલ્લામાં વરસાદની શક્યતા

કચ્છ જિલ્લામાં ભરઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવી કમોસમી વરસાદ ખાબક્યો છે. અબડાસાના નલિયામાં પડેલા વરસાદને કારણે રસ્તાઓ અને બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે સતત માવઠાના કારણે ખેતીના પાકને પણ નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે પણ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં પણ વાતાવરણ અસ્થિર રહેવાની સંભાવના છે. 2 અને 3 એપ્રિલે ફરી વરસાદ પડી શકે છે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. સતત બદલાતા આ હવામાનના કારણે ખેડૂતો અને માર્કેટ યાર્ડોમાં ચિંતા વધતી જોવા મળી રહી છે, કારણ કે ખુલ્લામાં પડેલી કૃષિ ઉપજને નુકસાન થવાની શક્યતા વધી રહી છે.