ગુજરાત વિધાનસભામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્ત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર 'ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ-2006'ના નિયમોમાં ધરખમ સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી રોકવાનો અને લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે.
30 દિવસમાં મંગાવાયા વાંધા-સૂચનો
સરકારે આ નિયમોમાં સુધારો કરવા માટે લોકશાહી અભિગમ અપનાવ્યો છે. આગામી 30 દિવસ સુધી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. નાગરિકો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઇટ પર પોતાના મંતવ્યો મોકલી શકશે, જેના આધારે નવા નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે.
લાખો પરિવારોની પીડા
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દીકરીઓના પ્રેમલગ્ન અને ત્યારબાદ પરિવારોમાં સર્જાતી પીડા અંગે સામાજિક આંદોલનો ચાલી રહ્યા હતા. ખાસ કરીને પાટીદાર સમાજ અને અન્ય ક્ષત્રિય-ઠાકોર સમાજની સંસ્થાઓએ લાંબા સમયથી માંગ કરી હતી કે લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજિયાત હોવી જોઈએ. લગ્ન જે તે સ્થાનિક વિસ્તાર(ગામ કે તાલુકા)માં જ નોંધવા જોઈએ.
આમ આદમી પાર્ટીએ પણ સરકારના પગલાને વખાણ્યું
અગાઉ અનેક સામાજિક સંગઠનોએ સચિવાલયમાં રજૂઆતો કરી હતી. આ મુદ્દે માત્ર સત્તાધારી પક્ષ જ નહીં, પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો. વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ સરકારના આ નિર્ણયને આવકારતા ભાવુક થઈને જણાવ્યું હતું કે, "આ ગુજરાતની વર્ષો જૂની પીડા છે. આ બિલ માટે હું બે વર્ષથી કામ કરતો હતો, આજે સરકારને અભિનંદન આપવા હું ઘરેથી ચાલીને આવીશ અને પાઘડી પહેરાવીશ."