સનાતન ધર્મમાં જે મહિનાની આતુરતાથી રાહ જોવામાં આવે છે તે પવિત્ર અધિક માસનો કાલથી એટલે કે ૧૭ મે ૨૦૨૬થી ભક્તિસભર પ્રારંભ થઈ રહ્યો છે, જે આગામી ૧૫ જૂન સુધી ચાલશે. આ વધારાનો મહિનો દર વર્ષે નથી આવતો, પરંતુ આપણી પરંપરાગત કાળગણના અને કેલેન્ડરને સંતુલિત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની વિશેષ ગણતરી થાય છે. ચંદ્ર વર્ષ આશરે ૩૫૪ દિવસનું અને સૌર વર્ષ ૩૬૫ દિવસનું હોય છે. આ બંને વચ્ચેના ૧૧ દિવસના તફાવતને સરભર કરવા અને આપણા તમામ તહેવારો સાચી ઋતુમાં જ આવે તે માટે દર ત્રીજા વર્ષે પંચાંગમાં એક અધિક માસ જોડવામાં આવે છે.
આ મહિનો માત્ર કેલેન્ડર સુધારવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ તેને તમામ મહિનાઓમાં સર્વોચ્ચ માનવામાં આવ્યો છે. આ માસ સાક્ષાત ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી તેને 'પુરુષોત્તમ માસ' પણ કહેવામાં આવે છે. એવી દ્રઢ માન્યતા છે કે આ પવિત્ર મહિનામાં કરવામાં આવતી પૂજા, અર્ચના, દાન અને નિયમોનું ફળ સામાન્ય દિવસો કરતાં અનેકગણું વધી જાય છે. આ દિવસો દરમિયાન આધ્યાત્મિક ઉન્નતિ અને આત્માની શુદ્ધિ માટે ભગવાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો, સત્યનારાયણ ભગવાનની વ્રત કથા વાંચવી કે સાંભળવી અત્યંત શુભ માનવામાં આવે છે.
અધિક માસમાં કરેલું દાન અક્ષય પુણ્ય આપે છે. આ દિવસોમાં ગરીબો અને જરૂરિયાતમંદોને અન્ન દાન, વસ્ત્ર દાન અથવા મંદિરોમાં દીપ દાન કરવું એ આ મહિનાનો સૌથી મોટો ઉપાય છે. આ ઉપરાંત આખા મહિના દરમિયાન તુલસીની માળાથી રોજ ૧૦૮ વાર "ઓમ્ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરવો જોઈએ અને ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત પુરાણ કે રામાયણ જેવા પવિત્ર ગ્રંથોનું વાચન કરીને તેના જ્ઞાનને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેનાથી મન અને ઇન્દ્રિયો પર કાબૂ આવે છે.
અધિક માસ દરમિયાન ભૌતિક સુખ-સુવિધાઓ અને સાંસારિક ઈચ્છાઓ સાથે જોડાયેલા તમામ માંગલિક કાર્યો પર પ્રતિબંધ હોય છે. શાસ્ત્રોક્ત નિયમો અનુસાર આ મહિનામાં લગ્ન (વિવાહ), મુંડન સંસ્કાર, જનોઈ કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો વર્જિત ગણાય છે. આ સાથે જ નવું ઘર ખરીદવું, ગાડી લેવી, કિંમતી સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવી કે નવો બિઝનેસ અને ઘરનું બાંધકામ શરૂ કરવા જેવા મોટા પ્રોજેક્ટ્સ ટાળવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, અધિક માસ આપણને શીખવે છે કે થોડા સમય માટે ભૌતિક સુખો અને મોહ-માયાથી ધ્યાન હટાવીને માત્ર પોતાની આત્મા અને પરમાત્માના ચિંતન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
જે ભક્તો આ મહિનામાં વિશેષ સાધના કરવા માંગે છે તેઓ આખો મહિનો એકટાણું અથવા ઉપવાસ રાખી શકે છે, જેની દિનચર્યા ખૂબ જ સાત્વિક હોવી જોઈએ. વ્રત કરનારે દરરોજ સૂર્યોદય પહેલાં ઊઠીને સ્નાન અને પૂજાપાઠ પતાવવાના રહેશે. દિવસમાં માત્ર એક જ વાર સાત્વિક ભોજન લેવાનું હોય છે, જેમાં ડુંગળી, લસણ, અનાજ અને માંસાહારનો ત્યાગ કરવો ફરજિયાત છે. ભોજનમાં માત્ર ફળાહાર, દૂધ અને સાબુદાણા જેવી ફરાળી વસ્તુઓનું જ સેવન કરી શકાય છે, જેનાથી તન અને મન બંને પવિત્ર રહે છે.