Advertisement

કાલે ફાઈનલ, આજે કાળાબજારી! સ્ટેડિયમ બહારથી યુવક પોલીસ કસ્ટડીમાં

કાલે ફાઈનલ, આજે કાળાબજારી! સ્ટેડિયમ બહારથી યુવક પોલીસ કસ્ટડીમાં

આગામી 8મી માર્ચ, 2026ના રોજ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T-20 વર્લ્ડકપ-2026ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાવાની છે. આ ઐતિહાસિક મુકાબલાને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ ઉત્સાહનો કેટલાક અસામાજિક તત્ત્વો ગેરફાયદો ઉઠાવતા હોવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ફાઈનલ મેચ પહેલાં ટિકિટોની કાળાબજારી શરૂ થઈ જતા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.


અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં મોટેરા સ્ટેડિયમ નજીક ટિકિટોના કાળાબજાર થતો હોવાની ચોક્કસ બાતમી LCB ઝોન-2ની ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્ટેડિયમ નજીક ગુપ્ત વોચ ગોઠવી હતી. આ દરમિયાન સ્ટેડિયમ બહાર ટિકિટો ઊંચા ભાવે વેચતા એક યુવકને પોલીસે રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે તરત જ આરોપીને કસ્ટડીમાં લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીની ઓળખ વાસણા વિસ્તારમાં રહેતા વંશ હિરલકુમાર શાહ તરીકે થઈ છે. પોલીસને તેની પાસે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ફાઈનલ મેચની કુલ બે ટિકિટો મળી આવી છે. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપી 2,000 રૂપિયાની મૂળ કિંમત ધરાવતી એક ટિકિટ 11,000 રૂપિયામાં વેચીને ક્રિકેટ ચાહકોને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યો હતો.


આ મામલે ચાંદખેડા પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો છે અને આ કાળાબજારના નેટવર્કમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી અટકાવવા માટે પોલીસ દ્વારા સ્ટેડિયમ આસપાસ કડક નજર રાખવામાં આવી રહી છે.

Advertisement