તિબેટ સરહદ પર આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલન વચ્ચે ફસાયા બાદ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી માનસી પારેખ સુરક્ષિત રીતે મુંબઈ પરત ફરી છે.
મુંબઈ એરપોર્ટ પર પહોંચતા જ પતિ અને દીકરીએ માનસીનું ભાવુક સ્વાગત કર્યું. પરિવારને જોતાં જ માનસી દીકરીને ગળે લગાવી પડી અને ભાવુક થઈ ગઈ.
પરંતુ મુંબઈ સુધી પહોંચવાની તેમની સફર કોઈ સામાન્ય સફર નહોતી.
તિબેટમાં ભૂસ્ખલનને કારણે તેમની બસ લગભગ 4 કલાક સુધી રસ્તા પર જ અટવાઈ રહી. રસ્તો સાફ થયા બાદ પણ મુશ્કેલી પૂરી થઈ નહોતી.
આગળનો લગભગ 40 માઈલનો રસ્તો કાપીને તેમની ટીમ નેપાળ બોર્ડર સુધી પહોંચી, પરંતુ ત્યાં પણ ભૂસ્ખલનના કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ હતો. આખરે બસ છોડીને માનસી અને તેમની ટીમે પગપાળા ક્ષતિગ્રસ્ત રસ્તો પાર કર્યો અને બીજી તરફ ઉભેલી બસ સુધી પહોંચવું પડ્યું.
માનસીએ સોશિયલ મીડિયા પર પોતાના આ અનુભવને શેર કરતા લખ્યું કે, ચીનથી નીકળીને નેપાળની સરહદ સુધી પહોંચવું જાણે કોઈ યુદ્ધ જીતવા જેવું હતું. નેપાળ બોર્ડરથી કાઠમંડુ સુધીનો ચાર કલાકનો બસ પ્રવાસ પણ તેમના જીવનના સૌથી મુશ્કેલ પ્રવાસોમાંનો એક રહ્યો.
પરંતુ આ આખી યાત્રાની સૌથી મોટી રાહત હતી—સલામત મુંબઈ પહોંચવું અને પોતાના પરિવારને મળવું.
અને આ સફર સાથે જોડાયેલો એક ભયાનક સંયોગ પણ માનસીએ શેર કર્યો છે.
27 ઓગસ્ટની પોસ્ટમાં તેમણે એવી જગ્યાનો વીડિયો શેર કર્યો, જ્યાં તેઓ આફતના માત્ર 5 દિવસ પહેલાં રોકાયા હતા. માનસીના જણાવ્યા પ્રમાણે, જ્યાં થોડા દિવસ પહેલાં તેમનું સ્વાગત થયું હતું, એ જ વિસ્તાર બાદમાં પૂરનાં પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયો.
માનસીએ જણાવ્યું કે જે દિવસે ત્યાં તબાહી સર્જાઈ, તેના બીજા જ દિવસે તેઓ ફરી એ જ વિસ્તારમાં પહોંચવાના હતા.
માનસી પારેખ ગુજરાતી સિનેમાનું જાણીતું નામ છે. 'કચ્છ એક્સપ્રેસ'માં શાનદાર અભિનય બદલ વર્ષ 2024માં તેમને શ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ટીવી અને ફિલ્મોમાં અભિનય ઉપરાંત તેઓ પ્રશિક્ષિત સિંગર પણ છે.
હાલમાં નેપાળ અને તિબેટના સરહદી વિસ્તારોમાં આવેલા પૂર અને ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે. રસ્તાઓ, પુલો અને મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે અને અનેક લોકો અસરગ્રસ્ત બન્યા છે.
એક તરફ કુદરતનો કહેર અને બીજી તરફ જીવ બચાવીને ઘરે પરત ફરવાની જંગ...
માનસી પારેખ માટે કૈલાસ માનસરોવર યાત્રા ખરેખર જીવનભર યાદ રહી જાય એવો અનુભવ બની ગઈ.