Advertisement

કાળઝાળ ગરમીની આફત: દેશભરમાં પારો 42°C ને પાર પહોંચશે, જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં 'લૂ'નું એલર્ટ

કાળઝાળ ગરમીની આફત: દેશભરમાં પારો 42°C ને પાર પહોંચશે, જાણો ગુજરાત સહિત કયા રાજ્યોમાં 'લૂ'નું એલર્ટ

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજી આગાહી મુજબ, આગામી દિવસોમાં દેશભરમાં ગરમીનો પ્રકોપ વધવા જઈ રહ્યો છે. હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે તાપમાનમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. મધ્ય અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં પારો 40°C થી 42°C ને પાર કરી શકે છે, જેના કારણે ભીષણ 'લૂ' (Heatwave) ની સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે મહારાષ્ટ્રના અકોલા અને કર્ણાટકના કલબુર્ગીમાં 44°C સાથે દેશનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.


 હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર (વિદર્ભ), ઉત્તર કર્ણાટક, છત્તીસગઢ અને તેલંગાણા માટે આ અઠવાડિયે કાળઝાળ ગરમીની ચેતવણી જાહેર કરી છે. આ સિવાય ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ગરમીની સાથે અસહ્ય બફારો (Humidity) પણ લોકોને પરેશાન કરશે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં 18 એપ્રિલ સુધીમાં તાપમાનમાં હજુ 3-4°C નો વધારો થવાની ધારણા છે, જ્યારે દિલ્હીમાં પારો 42°C સુધી પહોંચી શકે છે.


મેદાની વિસ્તારો જ્યારે ગરમીમાં શેકાઈ રહ્યા છે, ત્યારે પહાડી રાજ્યો માટે થોડા રાહતના સમાચાર છે. 16 એપ્રિલની રાતથી એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી ક્ષેત્રમાં સક્રિય થઈ શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં 17 થી 19 એપ્રિલ દરમિયાન હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે, આ વરસાદની અસર મેદાની વિસ્તારોના તાપમાન ઘટાડવામાં ખાસ મદદરૂપ નહીં થાય.


 માત્ર મધ્ય કે ઉત્તર ભારત જ નહીં, પરંતુ ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં પણ 16 એપ્રિલથી ગરમીમાં વધારો થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ આખું અઠવાડિયું મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહેવાની શક્યતા છે. વધતી ગરમી અને લૂ ને ધ્યાનમાં રાખીને લોકોને બપોરના સમયે સીધા તડકાથી બચવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement