બોલિવૂડના કિંગ ખાન શાહરુખની ફિલ્મી સફર જેટલી રસપ્રદ છે, એટલા જ રસપ્રદ તેમના જીવનના જૂના કિસ્સાઓ પણ છે. આજે શાહરુખ ખાનના ગુસ્સા સાથે જોડાયેલો વર્ષો જૂનો એક કિસ્સો ફરી ચર્ચામાં છે. આ ઘટના વર્ષ 1993ની છે, જ્યારે શાહરુખની કારકિર્દી નવી હતી અને તેમના લગ્નને પણ વધુ સમય થયો નહોતો. તે સમયે ફિલ્મ 'માયા મેમસાબ'ના શૂટિંગ દરમિયાન એક મેગેઝિને તેમના વિશે વિવાદાસ્પદ અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેના કારણે શાહરુખ ગુસ્સે ભરાયા હતા.
મેગેઝિનના અહેવાલથી ગૌરી ખાન પણ થઈ ગયાં હતાં પરેશાન
વાત એવી હતી કે શાહરુખ ખાનને ફિલ્મ 'માયા મેમસાબ'માં દીપા સહી સાથે કાસ્ટ કરવામાં આવ્યા હતા. ફિલ્મના શૂટિંગ દરમિયાન એક મેગેઝિને શાહરુખની તસવીર સાથે વિવાદાસ્પદ કવર સ્ટોરી પ્રકાશિત કરી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શૂટિંગ દરમિયાન અભિનેત્રી સાથે અસ્વસ્થતા ન અનુભવાય તે માટે શાહરુખે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
જ્યારે આ મેગેઝિન શાહરુખના ઘરે પહોંચ્યું ત્યારે તેમની પત્ની ગૌરી ખાન પણ આ અહેવાલ વાંચીને ચિંતિત થઈ ગયાં હતાં. શાહરુખે અહેવાલ વાંચ્યા બાદ સીધો મેગેઝિનના એડિટરને ફોન કર્યો હતો. એડિટરે તેને મજાક ગણાવી હતી, પરંતુ આ જવાબથી શાહરુખનો ગુસ્સો વધુ વધી ગયો હતો.
તલવાર લઈને પત્રકારના ઘરે પહોંચ્યા શાહરુખ
શાહરુખે આ ઘટનાને હળવાશથી લીધી નહોતી. અહેવાલ મુજબ, તેઓ પોતાના લગ્ન દરમિયાન સસરા તરફથી મળેલી તલવાર લઈને મેગેઝિનના રિપોર્ટરના ઘરે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે રિપોર્ટર સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તલવાર બતાવીને ધમકી આપી હતી.
તે સમયે રિપોર્ટરના ઘરે પાર્ટી ચાલી રહી હતી અને અનેક લોકો હાજર હતા. જોકે, શાહરુખે ગુસ્સામાં કોઈની પરવા કર્યા વિના ત્યાં હોબાળો મચાવ્યો હતો. તેમણે રિપોર્ટરના પરિવારજનો સામે પણ આક્રમક વલણ અપનાવ્યું હતું.
પોલીસ સ્ટેશન પહોંચ્યા તો થઈ ધરપકડ
બીજા દિવસે શાહરુખનો ગુસ્સો શાંત થયો હતો અને તેઓ ફિલ્મ 'કભી હાં કભી ના'ના શૂટિંગ માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ સેટ પર આવી અને તેમને પોલીસ સ્ટેશન આવવા જણાવ્યું. શરૂઆતમાં શાહરુખને લાગ્યું કે પોલીસકર્મીઓ તેમના ચાહકો હશે, પરંતુ સ્ટેશન પહોંચ્યા બાદ તેમને પોતાની સામે ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થઈ.
પોલીસે તેમને જણાવ્યું કે તેમની વિરુદ્ધ ફરિયાદ મળી છે અને હવે કાયદાકીય કાર્યવાહી થશે. શાહરુખને એક ફોન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, પરિવાર કે વકીલને ફોન કરવાને બદલે તેમણે સીધો ફરિયાદી પત્રકારને જ ફોન કર્યો હતો અને જેલમાંથી બહાર આવ્યા બાદ તેને છોડશે નહીં તેવી ધમકી આપી હતી.
આ ઘટના બાદ શાહરુખને જેલમાં મોકલવામાં આવ્યા હતા. અભિનેતા નાના પાટેકરે તેમની જામીન પ્રક્રિયામાં મદદ કરી હતી. આ સમગ્ર કિસ્સો ખુદ શાહરુખ ખાને વર્ષ 2012માં થિંક ફેસ્ટ દરમિયાન સંભળાવ્યો હતો.