જૂનાગઢ તાલુકા પંચાયતમાં રાજકીય ગરમાવો અને હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે આખરે ભાજપે સત્તા સ્થાપિત કરવામાં સફળતા મેળવી છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંને પક્ષના 9-9 સભ્યો જીતતા શરૂઆતમાં ટક્કરની સ્થિતિ સર્જાઈ હતી. જોકે બાદમાં AAPના ત્રણ સભ્યો બેઠક દરમિયાન હાજર ન રહેતા રાજકીય સમીકરણો સંપૂર્ણ બદલાઈ ગયા હતા.
ગતરોજ AAPના સભ્ય સંજય પાઘડારની ધરપકડ બાદ સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. AAP પાસે પૂરતા સભ્યો હોવા છતાં પક્ષ પ્રમુખ કે ઉપપ્રમુખ પદ પર કબજો જમાવવામાં નિષ્ફળ રહ્યો હતો. બીજી તરફ ભાજપે તકનો લાભ લઈ સત્તા પોતાના હાથમાં લીધી હતી.
પ્રમુખ પદ માટે ભાજપના ઈન્દુબેન ભોજકને 9 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં વિપક્ષના સમર્થન સાથે અંજના મારૂએ 14 મત મેળવી જીત હાંસલ કરી હતી. સમગ્ર ઘટનાક્રમ બાદ જૂનાગઢની રાજનીતિમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.