જો તમે પણ ઓછા ભાડામાં ઘર શોધી રહ્યાં છો અને દર મહિને મોંઘું ભાડું ભરીને થાકી ગયા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે.
કેન્દ્ર સરકારની અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ એટલે કે ARHC યોજના હેઠળ પાત્ર લોકોને પોસાય તેવા ભાડામાં મકાન મળી શકે છે.
આ યોજના ખાસ કરીને નોકરી, રોજગાર કે અભ્યાસ માટે પોતાના શહેરથી દૂર અન્ય શહેરોમાં રહેતા લોકો માટે બનાવવામાં આવી છે.
હવે તમને પ્રશ્ન થશે કે, આ ઘરનું ભાડું કેટલું હશે?
તો ભાડું દરેક શહેર અને પ્રોજેક્ટ પ્રમાણે અલગ-અલગ નક્કી કરવામાં આવે છે. જોકે સત્તાવાર ઉદાહરણોમાં અંદાજે 3 હજાર રૂપિયા પ્રતિ માસના ભાડાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે સામાન્ય બજારભાવ કરતાં ઓછા ભાડામાં મકાન ઉપલબ્ધ કરાવવાનો આ યોજનાનો મુખ્ય હેતુ છે.
આ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના-અર્બન સાથે જોડાયેલી અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવી છે.
EWS અને LIG કેટેગરીના પાત્ર લોકોને આ યોજનાનો લાભ મળી શકે છે. જેમાં રિક્ષાચાલકો, શ્રમિકો, ઔદ્યોગિક કામદારો તેમજ અન્ય સ્થળાંતરિત કામદારોનો સમાવેશ થાય છે.
હવે સવાલ એ છે કે, ઘર મળશે કેવી રીતે?
આ યોજના હેઠળ ખાલી પડેલા સરકારી મકાનોને રેન્ટલ હાઉસિંગમાં ફેરવવામાં આવે છે. સાથે જ જરૂરિયાત મુજબ નવા રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવે છે.
અને ભાડૂતોને રાહત મળે તે માટે ભાડામાં મનફાવે તેમ વધારો પણ કરી શકાશે નહીં. બે વર્ષમાં ભાડામાં મહત્તમ 8 ટકા અને પાંચ વર્ષમાં 20 ટકાથી વધુ વધારો ન કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજનામાં SC-ST, મહિલાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.
તો જો તમે પણ રોજગાર કે અભ્યાસ માટે પોતાના શહેરથી દૂર રહી રહ્યા છો અને ઓછા ભાડામાં ઘર શોધી રહ્યા છો, તો અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ એટલે કે ARHC યોજના તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.