Advertisement

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં મુસાફરો ભરેલી બસ પલટી, ૧૫ લોકોના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ

જમ્મુ-કાશ્મીર: ઉધમપુરમાં મુસાફરો ભરેલી બસ પલટી, ૧૫ લોકોના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ

ઉધમપુર: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી અને દુખદ દુર્ઘટના સર્જાઈ છે. મુસાફરોથી ભરેલી એક બસ બેકાબૂ થઈને પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧૫ મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, આ બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી ત્યારે ખગોટ વિસ્તારમાં ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બસમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી અને ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને વધુ સારી સારવાર મળી રહે તે માટે તેમને એરલિફ્ટ કરવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.


આ ઘટના અંગે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ઉધમપુરના ડીસી મિંગા શેરપા સાથે વાતચીત કરી રાહત અને બચાવ કાર્યને વેગ આપવા સૂચનાઓ આપી છે. બીજી તરફ, વારંવાર થતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો રોડ સુધારણાની માંગ કરી રહ્યા છે. હાલમાં અકસ્માતગ્રસ્ત રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરીને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Advertisement