આ ચોરોએ તો ભૂગર્ભમાં રહેલી પાઈપલાઈનને જ પંચર પાડી ઓઈલ ચોરી લીધું! ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે મોટા ઓઈલ ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનમાંથી પસાર થતી HPCL કંપનીની મુખ્ય પાઈપલાઈનમાં ગેરકાયદેસર પંચર પાડી ઓઈલ ચોરી કરતી ગેંગના કુલ આઠ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ગુજરાત ATSને બાતમી મળી હતી કે રાજસ્થાનના બાલોત્રાથી ચોરાયેલું ઓઈલ અમદાવાદ-રાજકોટ હાઈવે પર વેચાણ માટે લાવવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસે કુવાડવા નજીક એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આ ઓઈલ રાજસ્થાનના બાલોત્રા નજીક આવેલી HPCLની પાઈપલાઈનમાં પંચર પાડી ચોરવામાં આવતું હતું. માહિતીના આધારે ATSએ રાજસ્થાનમાં દરોડા પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ જમીનની અંદર ચારથી પાંચ ફૂટ ઊંડો ખાડો ખોદી પાઈપલાઈનમાં વાલ્વ ફિટ કરી ઓઈલ ચોરીનો કારોબાર શરૂ કર્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આઠેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જમીન નીચે પાઈપ… અને પાઈપમાં ચોરોનો ખેલ!