ભારતની દરિયાઈ સીમાની સુરક્ષા અને સમુદ્રી પર્યાવરણના જતન માટે ભારતીય કોસ્ટ ગાર્ડ સતત સતર્ક રહે છે.
આ જ દિશામાં 10 માર્ચે ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન જખૌ દ્વારા દરિયાઈ પ્રદૂષણ સામે પ્રતિભાવ આપવા માટે વિશેષ સેમિનાર, ટેબલ-ટોપ એક્સરસાઈઝ અને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત ખાસ કરીને કચ્છના દરિયાકાંઠે સર્જાઈ શકતી સંભવિત પ્રદૂષણની ઘટનાઓને પહોંચી વળવા માટે યોજાઈ હતી, જેમાં બંદર સત્તામંડળ, સ્થાનિક વહીવટીતંત્ર, મત્સ્યઉદ્યોગ વિભાગ, સીમા સુરક્ષા દળ (BSF), ભારતીય વાયુસેના તેમજ અન્ય દરિયાઈ એજન્સીઓએ ભાગ લીધો હતો. કવાયતનો મુખ્ય ઉદ્દેશ વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત બનાવી દરિયાઈ સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટે એકીકૃત પ્રતિભાવ વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાનો હતો.
આ મહાઅભ્યાસ દ્વારા કચ્છ દરિયાકાંઠે કોઈપણ પ્રદૂષણ સંબંધિત કટોકટી સર્જાય ત્યારે તમામ વિભાગો કેવી રીતે સાથે મળીને ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી શકે તેની તૈયારીનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે આવી નિયમિત કવાયતો દ્વારા દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવાની સાથે સમુદ્રી પર્યાવરણના સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત કરવામાં આવે છે.