Advertisement

જામનગરમાં મનપાના નવા કમિશનર દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળ્યો

જામનગરમાં મનપાના નવા કમિશનર દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળ્યો

જામનગર: જામનગર મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ જોવા મળ્યો છે. જામનગર મનપાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈએએસ (IAS) દીપેશ કેડિયાએ આજે સોમવારે સત્તાવાર રીતે પોતાના પદનો ચાર્જ સંભાળી લીધો છે. ઉલ્લેખનીય છે કે, જામનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા ડી.એન.મોદીની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી, જેના આદેશ બાદ ગત શનિવારે સાંજે તેઓ પોતાના હોદ્દા પરથી મુક્ત થયા હતા. ત્યારબાદ આજે સવારથી જ નવા મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા સત્તાવાર રીતે એક્શન મોડમાં જોવા મળ્યા હતા.


આજે સવારે જામનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે આવી પહોંચેલા નવા કમિશનર દીપેશ કેડિયાએ ચાર્જ સંભાળતાની સાથે જ સપાટો બોલાવ્યો હતો. તેમણે સૌપ્રથમ કમિશનર કચેરી સહિત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તમામ શાખાઓની મુલાકાત લીધા બાદ તેમણે વિધિવત રીતે મનપાના સર્વોચ્ચ વહીવટી વડા તરીકેની બેઠક સંભાળી હતી.


પોતાની ખુરશી સંભાળતાની સાથે જ નવા મ્યુનિસિપલ કમિશનરે તેમના પર્સનલ આસિસ્ટન્ટ (PA) અને મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે તાબડતોબ એક પ્રાથમિક સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જામનગર શહેરમાં ચાલી રહેલા વિવિધ સ્માર્ટ સિટી અને વિકાસકાર્યો, વહીવટી પ્રક્રિયાઓ તેમજ નાગરિકોને લગતી પ્રાથમિક સુવિધાઓની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવીને જરૂરી સૂચનાઓ આપી હતી. દીપેશ કેડિયા જેવા કડક અને કાર્યદક્ષ અધિકારીના આગમનથી આગામી દિવસોમાં જામનગર મહાનગરપાલિકાની કામગીરીમાં વધુ ઝડપ, પારદર્શિતા અને સુચારુ વહીવટ આવશે તેવી આશા લોકો અને રાજકીય આલમમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement