જામનગર: જામનગર શહેરના રણજીતસાગર રોડ નજીક આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં તાજેતરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનની કામગીરી હવે વિવાદના વંટોળે ચડી છે. ડિમોલિશન દરમિયાન એક વયોવૃદ્ધ મહિલા સાથે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા અયોગ્ય અને અમાનવીય વર્તનના આક્ષેપોને પગલે સમગ્ર જામનગરના આહીર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મામલે આકરા પાણીએ થયેલા આહીર સમાજ જામનગર દ્વારા આજે સોમવારે તાત્કાલિક ધોરણે એક હાઈલેવલ બેઠક બોલાવવામાં આવી છે, જેને પગલે સ્થાનિક રાજકારણ અને વહીવટી આલમમાં ભારે ગરમાવો આવી ગયો છે.
સમાજના અગ્રણીઓ પાસેથી મળતી સત્તાવાર વિગતો અનુસાર, જડેશ્વર પાર્ક વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ નંદુબેન નારણભાઈ બેરાના મકાન પર તંત્ર દ્વારા ડિમોલિશનનું બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ કામગીરી દરમિયાન અધિકારીઓ દ્વારા વૃદ્ધા સાથે અત્યંત અયોગ્ય અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ ચકચારી ઘટનાને લઈને આગામી રણનીતિ નક્કી કરવા માટે આજે સાંજે ૫:૦૦ વાગ્યે જામનગરના નંદનવન આહીર સમાજ ખાતે એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કટોકટીની બેઠકમાં આહીર સમાજના પ્રમુખ રણમલભાઈ કાંબરીયા સહિતના ટોચના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહીને તંત્ર સામે કેવા પગલાં ભરવા તે અંગે મંથન કરશે.
મળતી માહિતી મુજબ, આહીર સમાજની બેઠક પૂર્ણ થયા બાદ સાંજે અંદાજે ૬:૩૦ વાગ્યે તમામ અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો સીધા જડેશ્વર પાર્ક ખાતે ઘટનાસ્થળે ડિમોલિશન વાળી જગ્યાની રૂબરૂ મુલાકાત લેશે. ત્યાં પીડિત વયોવૃદ્ધ મહિલા નંદુબેન બેરા તેમજ તેમના પરિવારજનોને મળીને સમગ્ર ઘટનાની ચોંકાવનારી હકીકત મેળવવામાં આવશે અને ત્યારબાદ અન્યાય સામે લડવા માટેના આગળના ઉગ્ર આંદોલન કે કાયદાકીય આયોજન અંગે આખરી નિર્ણય લેવાશે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આહીર સમાજ દ્વારા સમગ્ર જ્ઞાતિજનોને ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થવા માટે જાહેર આહવાન કરવામાં આવ્યું છે.